BREAKING NEWS

ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારનો સનસનીખેજ આક્ષેપ.. કહ્યું- આવું કરવા ત્રણ લોકોએ દારૂ પીવડાવી પૈસા આપ્યા'તા

  • January 17, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે રાત્રે માળિયા હાટીનાના ગડુ ગામે આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની ખેડૂત સભા યોજાઈ હતી. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સ ઉભો થઈ તેના પર જૂતું ફેંક્યું હતું. જોકે જૂતું ગોપાલ ઇટાલિયાના પગ પાસેથી નીકળી ગયું હતું. બાદમાં ત્યાં હાજર આપના કાર્યકર્તાઓએ આ શખ્સને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો. જૂતુ ફેંકનારની ઓળખ ​શબીર મહંમદ હુસેન તરીકે થઈ છે. તેણે આ કામ ત્રણ લોકોના કહેવાથી કર્યું હોવાનું કહી વટાણા વેરી દીધા હતાં. સાથે એ પણ કહ્યું કે, તેને દારૂ પીવડાવી તેને જૂતું મારવા મોકલાયો હતો. 


રૂ. 50,000 આપવાની વાત કરતા હતાં

​શબીર મહંમદ હુસેન પરમારે વધુમાં જણાવ્યું કે, આ લોકોએ મને લાલચ આપી હતી કે, તમારે એક કામ કરવાનું છે અને તેના બદલામાં તમને પૈસા મળશે. મને કહેવામાં આવ્યું હતું કે, તમારે ગોપાલ ઈટાલિયાને જૂતું મારવાનું છે. તેઓ રૂ. 50,000 આપવાની વાત કરતા હતાં અને કહેતા હતા કે, તેમાંથી અડધા અત્યારે કરાવી આપીશ. આ રીતે મને ઓફર આપીને તેઓએ તૈયાર કર્યો હતો. આમાં ભંડુરી રામજીભાઈનો છોકરો મીત સામેલ હતો. આ ઉપરાંત બાબુભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિ હતા, જેઓ પોતાની ગાડી લઈને આવ્યા હતા. તેમની સાથે એક ડ્રાઈવર પણ હતો જે પોતાને પોલીસમાં હોવાનું કહેતો હતો. તેણે મને આશ્વાસન આપ્યું હતું કે, તમે આ કામ કરજો, તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં.


શું હતી સમગ્ર ઘટના?

માળીયાહાટીનામાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીની ખેડૂત સભા યોજવામાં આવી હતી. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધન કરતા હતા તે દરમિયાન સ્ટેજ પાસે એકા એક શખ્સ આવી ગયો હતો અને ગોપાલ ઇટાલીયા પર જૂતુ ફેક્યું હતું. જોકે હુમલો નિષ્ફળ ગયો હતો અને ગોપાલ ઇટાલીયાના પગ પાસેથી જુતું પસાર થઈ ગયું હતું ગોપાલ ઇટાલીયા સ્ટેજ પરથી ભાજપ વિરુદ્ધ ચાબખા મારી રહ્યા હતા તે દરમિયાન જ થયેલ બનાવથી અનેક પ્રશ્નો સર્જાયા છે. જામનગર બાદ ફરીથી સભા સ્થળ પર જુતુ ફેંકવાના બનાવ ના કારણે રાજકીય ઘમાસાણ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાંચ ડિસેમ્બરે જામનગરમાં કોંગ્રેસના કાર્યકર દ્વારા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા પર જુતુ ફેક્યું હતું જ્યારે ગઈકાલે માળિયા હાટીનામાં ખેડૂતો સભા દરમિયાન સ્ટેજ પર સંબોધન વખતે ફરી એક વખત જૂતુ ફેંકવાના બનાવ બાદ ગોપાલભાઈ ઇટાલીયા એ  ફોન આવે પછી જ આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે રાજકીય ઈશારે સમગ્ર કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યા મુજબ અમે એવું તે શું કર્યું કે દરેક સભામાં આવું કૃત્ય થાય તેમ જણાવી ગમે તેવા પ્રયાસ કરવામાં આવે પરંતુ પીછેહઠ નહીં થાય તેમ પણ જણાવ્યું હતું. 


માળીયાહાટીનામાં સભા સ્થળ પરથી આમ આદમી પાર્ટી અને પોલીસ કર્મચારીઓએ હુમલાખોર યુવકને ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝડપાયેલા ઈસમે કયા કારણોસર જુતુ ફેક્યું, કોના ઇશારે કૃત્ય કર્યું , રાજકીય કાર્યકર છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.


ગરીબો અને ઝુંપડપટ્ટી વિષે બોલવાને બદલે રાજકારણની વાતો કરી તેથી જૂતું ફેંકયું 

માળિયાહાટીનામાં ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સભા સંબોધી રહ્યા હતા ત્યારે સ્ટેજ ઉપર ચડીને ધારાસભ્ય તરફ જૂતું ફેંકયા બાદ પોલીસના હાથમાં પકડાઈ ગયેલા શખસે તેનું નામ શબ્બીર મહમદહુસેન પરમાર ઉ.વ.25 રહે.ભંડુરી હોવાનું જણાવ્યું હતું અને તેણે ગોપાલ ઈટાલિયા સભામાં ગરીબો અને ઝુંપડપટ્ટીઓ વિષે કાંઈ બોલ્યા નહીં અને માત્ર રાજકારણની વાતો કરતા લાગી આવવાથી જૂતું ફેંકયું હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application