BREAKING NEWS

તરઘડીયામાં ધોળા દિવસે ખેડૂતના ઘરમાંથી પોણા સાત લાખની ચોરી

  • December 04, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ 1.35 લાખ સહિત 6.74 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂત પરિવાર સાથે સાયપર ગામે બનેવીની પાણીઢોળ વિધિમાં ગયા હતા દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ત્રણ શખસો ગામમાં ઢોર ખરીદવાના બહાને આંટાફેરા કરતા હોવાનું માલુમ પડતાં આ શંકાસ્પદ શખસો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, તરઘડીયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રઘુભાઈ જગાભાઈ ઝાપડા (ઉ.વ. 52) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના 9:30 વાગ્યા આસપાસ પરિવારના તમામ સભ્યો ઘરમાં ઓસરીમાં લોખંડની જાળીને તાળું મારી સાયપર ગામે બનેવી ભીમાભાઇ ટોળીયાનું અવસાન થયું હોય જેની પાણીઢોળ વિધિ માટે ગયા હતા.

બપોરના અઢી વાગ્યે વિધિ પૂરી થયા બાદ પુત્રવધુ રાધાબેન તથા અન્ય સ્ત્રીઓ ગામે જવા માટે રવાના થયા હતા. ત્રણેક વાગ્યા આસપાસ પુત્રવધુ રાધાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘરની ઓસરીની લોખંડની જાળીનું તાળુ તૂટેલું છે અને સામાન વેરવિખેર છે ચોરી થઈ છે. તેવું કહેતા ખેડૂત તુરંત સાયપરથી અહીં ઘરે પહોંચ્યા હતા. અહીં આવી જોતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. બાદમાં ઘરમાં તપાસ કરતા પુત્રવધુ રાધાબેનના સોનાના દાગીના જેમાં કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી ત્રણ તોલા કિં. રૂ. 1.20 લાખ, ગળામાં પહેરવાનો ફૂલહાર ચાર તોલા કિં. રૂ. 1.60 લાખ, ગળામાં પહેરવાની સોનાની માળા ત્રણ તોલા કિં. રૂ. 1.80 લાખ, ખેડૂતના પત્ની ભાનુબેનના ગળામાં પહેરવાની સોનાની બરધલી કિં. રૂ. 40,000, નાકમાં પહેરવાના સોનાના ચાર દાણા કિં. રૂ. 2000, સોનાની કડી કિં. રૂ. 5000, સોનાનું ઓમકાર કિં. રૂ. 2000 તેમજ ફરિયાદીના પુત્ર વિપુલનું ચાંદીનું કડું, પૌત્ર કૃણાલના ચાંદીના બે કડા, પગમાં પહેરવાના પગપાળા નંગ બે, કમરનો જુડો સહીત ચાંદીના રૂપિયા 30,000 ના દાગીના અને કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 1.35 લાખ સહિત કુલ રૂપિયા 6.74 લાખની મત્તા કબાટમાંથી ચોરી કરી ગયા અંગે પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી આવ્યો હતો અને આ અંગે તપાસ હાથ ધરી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં ગામમાં ગઈકાલે સવારે ત્રણ શંકાસ્પદ શખશો ઢોર ખરીદવાના બહાને શંકાસ્પદ રીતે આંટા ફેરા કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ શંકાસ્પદ શખસો અંગે તપાસ હાથ ધરી છે.


કપાસ વેચ્યા બાદ આવેલી રોકડ કબાટમાં રાખી હતી

ચોરીના આ બનાવમાં તસ્કરો કબાટમાંથી રોકડ રૂપિયા 1.35 લાખ પણ ચોરી કરી ગયા હતા. જે અંગે ખેડૂત રઘુભાઈએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ તેમણે કપાસ વેચ્યો હોય જે રકમ તેમણે આ કબાટમાં રાખી હતી. આ રકમમાંથી ભાગ્યાને ભાગ આપવાનો પણ બાકી હતો અને તે માટેનું બિલ પણ કબાટમાં રાખ્યું હતું. જે રકમ તસ્કરો ચોરી કરી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application