મધ્યપ્રદેશના છિંદવાડામાં છ અને રાજસ્થાનના સીકરમાં એક બાળકના 22 દિવસમાં મોતથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટરોનું તારણ છે કે બધા કિસ્સાઓમાં બાળકો કિડની ફેલ્યોરથી પીડાતા હતા. શંકા છે કે ચોક્કસ બ્રાન્ડના કફ સિરપ તેનું કારણ હોઈ શકે છે, કારણ કે બીમાર બાળકોના શરૂઆતના લક્ષણો શરદી, ખાંસી અને તાવ હતા. જોકે, મધ્યપ્રદેશ સરકારે આ ભયને પાયાવિહોણા ગણાવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ચારથી 26 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડામાં છ બાળકો કિડની ફેલ્યોરથી મૃત્યુ પામ્યા હતા. પીડિતોના પરિવારોનું કહેવું છે કે બાળકોને શરૂઆતમાં શરદી અને તાવ હતો, પરંતુ પછીથી તેમની કિડની બગડી ગઈ. છિંદવાડાના મુખ્ય તબીબી અધિકારી ડૉ. નરેશ ગુન્નાડેએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમોને બોલાવવામાં આવી છે. નાગપુરમાં ત્રણ બાળકોના મોત સારવાર દરમિયાન થયા હતા અને બાકીના છિંદવાડામાં. પાણી, દવાઓ અને અન્ય સામગ્રીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ડૉ. ગુન્નાડેએ જણાવ્યું હતું કે મૃતકોના ઘરે કેટલીક કફ સિરપ મળી આવી હતી. સાવચેતીરૂપે આ દવાઓ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તેનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. હાલમાં પાંચ બાળકોને નાગપુરની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર શીલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભોપાલ અને દિલ્હીની નિષ્ણાત ટીમ તપાસ કરી રહી છે. પુણેની એક લેબના રિપોર્ટમાં વાયરલ ચેપને નકારી કાઢવામાં આવ્યો છે. તેમણે માતાપિતાને ચેતવણી આપી હતી કે ડૉક્ટરની સલાહ લીધા વિના બાળકોને કફ સિરપ ન આપો.
રાજસ્થાનના સીકર જિલ્લામાં એક બાળકના મૃત્યુને પણ કફ સિરપ સાથે જોડવામાં આવી રહ્યો છે. પરિણામે, રાજસ્થાન મેડિકલ કોર્પોરેશને સીરપના 19 બેચના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને ડોકટરો અને ફાર્માસિસ્ટને સતર્ક રહેવાની સલાહ આપી છે.
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે બાળકો કફ સિરપથી મૃત્યુ પામ્યા હોવાનો દાવો પાયાવિહોણો છે. તેમણે કહ્યું કે નમૂનાઓ આઈસીએમઆર અને નાગપુરની એક લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી જ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.