BREAKING NEWS

ભગવાન આવો દિવસ કોઈને ન દેખાડે..૨૨ વર્ષે જન્મેલી 7 વર્ષની પુત્રીને ડમ્પરે કચડી, પિતાની નજર સામે જ મોત, રાજકોટની હૃદયદ્રાવક ઘટના

  • January 06, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા દોઢસો ફૂટ રીંગરોડ પર ટીલાળા ચોક પાસે આજરોજ સવારના સમયે કાળમુખા ડમ્પરે બાઇકને હડફેટે લેતા પિતાની નજર સામે તેની સાત વર્ષની લાડલી પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. વિધિની વક્રતા તો એ છે કે, સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને ૨૨ વર્ષે દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જે દીકરીને કાળે ભરખી લેતા પરિવાર શોકાતુર બન્યો છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જશરાજનગરમાં રહેતાં આધેડ ૭ વર્ષની લાડલી પુત્રીને લઈ આંટો મારવા નીકળ્યા હતાં અને કાળમુખા ડમ્પરે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતાને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

માસુમ પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગર શેરી નં.પમાં રહેતાં ભાવેશભાઈ રમણીકભાઈ વકારીયા (ઉ.૫૨) નામના આધેડ આજે સવારે તેની સાત વર્ષની પુત્રી નૈતીને લઈ બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યા હતાં. દરમિયાન ૧૧ વાગ્યાના અરસામાં નવા રીંગ રોડ પર મવડી બાયપાસ પાસે ટીલાળા ચોક નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે બાઈકને ઠોકરે લેતાં બાઈક સવાર પિતા-પુત્રી રોડ ઉપર ફંગોળાયા હતાં અને પિતાની નજર સામે જ માસુમ પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.


લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં

અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત આધેડને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં લોધિકા પોલીસ મથકના મનોજભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી.


પિતા પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરે છે

પોલીસની તપાસમાં એવી વિગત જાણવા મળી હતી કે, ભાવેશભાઈ પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરે છે અને તેના પત્ની કાજલબેન શિક્ષક છે. દંપતિને ૨૨ વર્ષે પુત્રી નૈતીનો જન્મ થયો હતો. નૈતી પી.એન્ડ.બી.સ્કૂલમાં ધો.૧માં અભ્યાસ કરતી હતી. આજે સવારે પત્ની સ્કૂલમાં નોકરીએ ગયા બાદ પિતા પુત્રીને લઈ આંટો મારવા નીકળ્યા હતાં અને રસ્તામાં જ કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જતા માસુમ પુત્રીનો ભોગ લેવાયો હતો. એકની એક પુત્રીના મોતથી વણિક પરિવારમાં માતમ છવાય ગયો હતો. અકસ્માતની જાણ થતાં લોધિકા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી લઇ તેના તેના વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News