BREAKING NEWS

ગુજરાતીઓ ધાબળા-સ્વેટર કાઢી રાખો...48 કલાક પછી કડકડતી ઠંડી પડશે, કાલથી જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં તોફાની પવન સાથે બરફ વર્ષાનું એલર્ટ

  • November 03, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વેસ્ટર્ન હિમાલયન રિજીયનને અસર કરે તેવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે ઉદ્ભવશે અને તેની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલથી બે દિવસ માટે તોફાની પવન સાથે વરસાદ અને બરફ વર્ષા ની ચેતવણી આપવામાં આવી છે.


આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પ્રભાવશાળી હોવાના કારણે પ્રતિ કલાકના 35 થી 45 કીલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેની ગતિ વધીને 55 કીલોમીટર આસપાસ પહોંચી જશે. આ ઉપરાંત વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા વેસ્ટર્ન હિમાલયન રિજયનમાં છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમની અસરના ભાગરૂપે રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશમાં તથા ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની પણ શક્યતા છે, આ સિસ્ટમના કારણે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં લઘુતમ તાપમાન નું પ્રમાણ બે થી ચાર ડિગ્રી જેટલું ઘટી જશે. દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સરેરાશ 22 થી 25 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન છે તેમાં બેથી ચાર ડિગ્રીના ઘટાડા પછી શિયાળાની સિઝન જેવી ઠંડી શરૂ નહીં થાય પરંતુ બરફીલા પવન ના કારણે ઠંડીની તીવ્રતા વધી જવાની શક્યતા છે.


ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવ્યા મુજબ ગુજરાત સહિત નોર્થ વેસ્ટના રાજ્યોમાં આગામી 72 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ ત્યાર પછીના ત્રણ ચાર દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટશે. મધ્ય ભારતમાં તાપમાનમાં ઘટાડાની અસર 48 કલાક પછી જોવા મળશે. 48 કલાક પછી મધ્ય ભારતના રાજ્યોમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન 3 થી 4 દિવસમાં નીચે ઉતરશે.


આ ઉપરાંત અરબી સમુદ્રના લો પ્રેસરની ઉપરના ભાગે દરિયાની સપાટીથી 1.5 કીલોમીટર ની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. જોકે એક માત્ર દ્વારકાને બાદ કરતા ક્યાંય પૂરો એક ઇંચ પણ વરસાદ થયો નથી. સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં માત્ર 8 તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. ક્યાંય પૂરો અડધો ઈંચ પણ વરસાદ થયો નથી.


બંગાળની ખાડીમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં મ્યાનમાર ને સંલગ્ન ભાગમાં લો પ્રેશર સર્જાયું છે અને તેની સાથે દરિયાની સપાટીથી 5.8 કીલોમીટર ની ઊંચાઈ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળે છે. આ સિસ્ટમ મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application