દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી રાંધણ ગેસની અછત અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. યુદ્ધના વાદળો વચ્ચે જોખમી ગણાતા દરિયાઈ માર્ગો પાર કરીને બે વિશાળ LPG ટેન્કર ગુજરાતના બંદરે આવી પહોંચ્યા છે. સોમવારે મુન્દ્રા ખાતે ‘શિવાલિક’ જહાજના આગમન બાદ, આજે ૧૭મી માર્ચે જામનગરના વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ જહાજ ૪૬ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આવી પહોંચ્યું છે.
બે દિવસમાં બે જહાજ: કુલ ૯૨,૭૦૦ મેટ્રિક ટન LPG નો પુરવઠો
ભારતીય ઉર્જા સુરક્ષા માટે આ અઠવાડિયું અત્યંત નિર્ણાયક સાબિત થયું છે. અછતના સમયમાં ભારતને કુલ બે જહાજો દ્વારા ૯૨,૭૦૦ મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) પ્રાપ્ત થયો છે.
શિવાલિક: ૪૬,૭૦૦ મેટ્રિક ટન LPG સાથે સોમવારે મુન્દ્રા પોર્ટ પર લંગર્યું.
નંદા દેવી: ૪૬,૦૦૦ મેટ્રિક ટન LPG સાથે આજે જામનગરના વાડીનાર પહોંચ્યું છે, જ્યાંથી આ જથ્થો કંડલા બંદર સુધી પહોંચાડવામાં આવશે.
આ જંગી જથ્થાના આગમન સાથે જ રાજ્ય અને દેશમાં રાંધણ ગેસ (Domestic) અને કોમર્શિયલ ગેસના વિતરણમાં સર્જાયેલી અડચણો દૂર થશે તેવી પૂરી શક્યતા છે.
યુદ્ધના મેદાન વચ્ચેથી પસાર થયો ‘ઉર્જા કોરિડોર’
આ જહાજોનું ભારત પહોંચવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. વિશ્વનો ૨૦ ટકા તેલ અને ગેસનો વેપાર જે માર્ગેથી થાય છે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) હાલ યુદ્ધનું કેન્દ્ર બની છે. ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર રોકવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે ટેન્કર ટ્રાફિક ઠપ્પ જેવો થઈ ગયો હતો.
ભારતની રાજદ્વારી જીત: ઈરાને આપી વિશેષ મંજૂરી
જ્યારે વિશ્વભરના જહાજો આ જોખમી માર્ગેથી પસાર થતા ડરી રહ્યા હતા, ત્યારે ભારતીય ધ્વજ ધરાવતા ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ ને ઈરાની સત્તાવાળાઓએ પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી. આ ઘટના ભારતની મજબૂત વિદેશ નીતિ અને ઈરાન સાથેના વ્યૂહાત્મક સંબંધોની સફળતા દર્શાવે છે. અત્યંત જોખમી અને વ્યૂહાત્મક ગણાતી આ સામુદ્રધુનીમાંથી સલામત રીતે પસાર થઈને આ જહાજો ગુજરાતના દરિયાકાંઠે આવતા વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો છે.
સામાન્ય જનતાને શું થશે ફાયદો?
છેલ્લા કેટલાક દિવસોથી ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે જે લાંબી લાઈનો અને વેઈટિંગ જોવા મળતું હતું, તે હવે ઘટશે. જામનગર અને મુન્દ્રા પોર્ટ પરથી આ ગેસનો જથ્થો બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને હોળી-ધૂળેટીના તહેવારો પહેલા ગેસનો આ જથ્થો આવતા ગૃહિણીઓ અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે.