જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી સગીરા પર આશરે ચાર દિવસ પહેલાં બે નરાધમ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને બંનેની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી આશરે ૧૬ વર્ષની વયની એક સગીરાની સાથે એક શખ્સે મિત્રતા કેળવી હતી, ત્યારબાદ ગત તા. ૮ના રોજ તેણીને એક સ્થળે બોલાવી હતી, અને સગીરા પર વારાફરથી બે શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.
આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ભોગ બનનાર સગીરાની માતાએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સીટી-એ પીઆઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બંને નરાધમોને પકડી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે, દરમ્યાનમાં આ બનાવે શહેર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.