BREAKING NEWS

માનસિક દબાણથી કંટાળી જીવન પૂર્ણ કરવા જંગલમાં જઈ રહ્યો છું... ભારતી આશ્રમના લઘુમહંતની ખળભળાટ મચાવતી સુસાઈડ નોટ

  • November 03, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગઈકાલે દેવ દિવાળીના શુભ દિવસે જ ભવનાથ તળેટીમાં ચકચારી ઘટના બની હતી. ભારતી આશ્રમના લઘુમહંત આશ્રમથી ગુમ થયા છે અને પાંચ પેઇજની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં અનેક કારણો દર્શાવ્યા છે. શનિવારે મધરાત્રે સીસીટીવી કેમેરામાં આશ્રમથી પ્રેરણાધામ જંગલ વિસ્તારમાં જતા હોય તેવા ફૂટેજ જોવા મળ્યા હતા. લઘુમહંતની શોધખોળ માટે એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સહિતની ટીમ દ્વારા ભવનાથ તળેટી ઉપરાંત, જંગલના વિવિધ ગેબી સ્થળો, મંદિરો, ગિરનાર પર્વત, આશ્રમો, સહિતના સ્થળોએ વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. 


શહેરભરમાં બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો

ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તથા ભવનાથ પીઆઇ હુંબલના જણાવ્યા મુજબ હાલ તો પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી રહી છે. પ્રાથમિક તપાસમાં જંગલ તરફ ગયા હોવાનું જોવા મળે છે. જેથી વન અધિકારીઓ, કર્મચારીઓની મદદ લેવામાં પણ આવી છે. આ ઉપરાંત ડોગ સ્કવોડ પણ તપાસમાં જોડાઈ છે. તેમજ સુસાઇડ નોટમાં લખેલા નામ ધરાવતા ઈસમોની પૂછપરછનો પણ ધમધમાટ શરૂ કર્યો છે. જોકે દેવ દિવાળીના દિવસે જ ભવનાથ તળેટીમાં થયેલી ઘટનાથી સંતો મહંતો તેમજ શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ​​​​​​​


હિતેશ, કૃણાલ, પરમેશ્વર ભારતી સહિતના કુલ પાંચ ઇસમો માનસિક ટોર્ચિંગ કરતા

જૂનાગઢમાં ભવનાથ તળેટી ભારતી આશ્રમના લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતીબાપુ એકાએક ગુમ થયાની ઘટના બની છે. મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટ લખી છે. જેમાં હિતેશ, કૃણાલ, પરમેશ્વર ભારતી સહિતના કુલ પાંચ ઇસમો માનસિક ટોર્ચિંગ કરતા હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો છે. તેમજ માનસિક દબાણથી કંટાળી જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું અને મરવા મજબૂર થવું પડ્યું છે તેમ જણાવી જંગલમાં ગિરનારના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું. ઉપરાંત તેઓએ પોતાનું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું કે ના આવ્યું હોય પરંતુ મર્યા પછી જીવન જંગલી પશુને કામ આવે જેથી જંગલમાં જઈ રહ્યો છું. કદાચ મારું શરીર હેમખેમ મળે તો  સમાધિ આપવાના બદલે દેહદાન કરવાનો અને ગિરનારના સાંનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું તેવો ઉલ્લેખ કર્યો છે.


શનિવારે મધરાત્રે આશ્રમમાંથી ગુમ થવું અને સુસાઇડ નોટ મળી આવવા ના બનાવ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને વિવિધ દિશાઓમાં શોધખોળ કરી રહી છે. પોલીસની ટીમે આશ્રમના કર્મચારીઓ, આસપાસના વિસ્તારોના વેપારીઓ સહિતનાઓની પણ પૂછપરછ કરી છે. મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટમાં હિતેશ, કૃણાલ, પરમેશ્વર ભારતી ઉપરાંત અમદાવાદના નિલેશ ડોડિયા અને રોનક સોની પાંચ નામોનો ઉલ્લેખ કર્યો છે. માનસિક ત્રાસથી કંટાળી મહાદેવ ભારતી બાપુ અન્ય આશ્રમ અને ધાર્મિક સ્થળોએ પણ ગયા હતા. ત્યારબાદ ફરી જુનાગઢ આશ્રમે આવ્યા બાદ માનસિક ત્રાસ થઈ રહ્યો હતો. સમાધાન કરવાના બદલે ધમકી પણ મળતી હતી. તે સૌથી મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જે બાબત પણ ચર્ચાસ્પદ બની છે.


સુસાઇડ નોટમાં જંગલમાં જવાનો ઉલ્લેખ કર્યો

જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ભવનાથ પોલીસ પીઆઈ હુંબલ, એલસીબી અને એસઓજી પીઆઈ પટેલ સહિતની ટીમ દ્વારા ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુની શોધખોળ કરવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. સુસાઇડ નોટમાં જંગલમાં જવાનો ઉલ્લેખ કર્યો હોવાથી અને સીસીટીવીમાં જંગલ તરફ જતા હોવાનો દ્રશ્ય પણ જોવા મળે છે. જેથી પોલીસની ટીમ દ્વારા જંગલના વિવિધ રૂટ પર વન વિભાગની મદદ પણ લેવામાં આવી છે અને જંગલમાં રહેલા વિવિધ પોઇન્ટ, ગુફા સહિતના વિસ્તારો તરફ શોધખોળ કરવામાં આવી રહી છે. 


સંતો-મહંતો અને સેવકો પણ ચિંતિત 

પરંતુ ગુમ થયાના દોઢ દિવસ બાદ પણ હજુ મહાદેવ ભારતીબાપુના સગડ મળ્યા નથી. જેથી સંતો-મહંતો અને સેવકો પણ ચિંતિત થયા છે. જોકે પોલીસ તંત્ર દ્વારા સુસાઇડ નોટમાં દર્શાવેલા લોકોના પણ નિવેદનની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આશ્રમના અન્ય કર્મચારી અને આસપાસના વેપારીઓ અને દુકાનદારોની પણ પૂછપરછ થઈ રહી છે. એક તરફ પરિક્રમાનો બંદોબસ્ત અને બીજી તરફ ભવનાથ તળેટીના મુખ્ય આશ્રમના લઘુ મહંતના ગુમ થવાની ઘટનાથી પોલીસ પણ ચકરાવે ચડી છે. ​​​​​​​


દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રી, મુખ્યમંત્રીને વિનંતી છે કે...

બીજી તરફ મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટમાં માનસિક ત્રાસ આપનાર બધાને કર્મની સજા મળે કે જેથી બીજા મારા જેવાનું જીવન ઝેરના બને અને એમને જીવ ખોવો ન પડે જેથી દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રી, મુખ્યમંત્રીને વિનંતી છે કે મારા આ કેસની વ્યવસ્થિત ઇન્કવાયરી થાય અને દોષિતોને સજા મળે એવી આશા રાખું છું મારી વિનંતી આપ જરૂર સ્વીકારજો એવી આશા સાથે મારી સાથે જોડાયેલા અને સાથ આપનાર તમામનો આભારી છું. બધા મને માફ કરશો એવી આશા સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ.. સુસાઇડ નોટના અંતિમ શબ્દો લખ્યા હતા. જોકે ભારતી આશ્રમ દ્વારા કોઈપણ પ્રકારની અફવામાં ન આવવા પણ સેવકોને અનુરોધ કર્યો છે. હાલ તો પોલીસ દ્વારા ગુમ થયેલા મહામંડલેશ્વરને શોધખોળ કરવા પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ મળેલી સુસાઇડ નોટ અને અન્ય બાબતો અંગે વધુ વિગતો સામે આવશે.


સુસાઇડ નોટમાં અનેક બાબતોનો ઉલ્લેખ

મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુએ પાંચ પાનાની લખેલી સુસાઇડ નોટમાં અનેક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે પૈકી લખ્યું છે કે એફબી પરથી કોન્ટેક્ટ થયેલ પરેશ દિક્ષા બાદ પરમેશ્વર ભારતી થયો. સુસાઇડ નોટમાં લખ્યું છે કે બાપુએ હિતેશ ઝડફિયા અને કૃણાલ હરિયાણી બે છોકરાઓને ઓફિસમાં વહીવટમાં રાખ્યા હતા. ત્યારબાદ પરેશ નામના સુરતના છોકરાએ ફેસબુક પરથી કોન્ટેક્ટ કર્યો હતો અને મારે હરિહરારાનંદ બાપુને મળવું છે જેથી પરેશ અમદાવાદ સરખેજ આશ્રમે આવ્યો અને બાપુને મળ્યો હતો. 


ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરમાં તથા ચડાવ હનુમાન મંદિરે અને ગિરનાર પગથિયે અવારનવાર સેવા આપતો તે બાબત બાપુને વાત કરી હતી. ત્યારબાદ બાપુએ પરેશને શિષ્ય બની જા તેમ કહ્યું હતું. પરંતુ તે સમયે પરેશ માન્યો ન હતો અને બાપુ રડી પણ પડ્યા હતા અને ત્યારબાદ પરેશને દીક્ષા આપી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું હતું. અને ત્યારથી જ તે બાપુ સાથે રહેવા મંડ્યો હતો. સુસાઇડ નોટમાં તેવું પણ દર્શાવવામાં આવ્યું છે કે પરમેશ્વર ભારતી બાપુએ મહાદેવ ભારતી બાપુ જૂનાગઢ ન આવવા જોઈએ તેવું પણ બાપુને જણાવ્યું હતું અને ધમકી પણ આપી હતી, ઉપરાંત આશ્રમના અન્ય સભ્યોએ પણ સમાધાન માટે પ્રયાસ કર્યા પરંતુ માન્યા નહીં આ ઉપરાંત પરમેશ્વર ભારતી બાપુએ હિતેશ અને કુણાલને પણ બોલાવ્યા અને તેઓ પણ મહાદેવ ભારતી બાપુને આશ્રમમાંથી જવા દો સમાધાન તો ના કર્યું પરંતુ ઉલટાના ધમકી પણ આપવા લાગ્યા સહિતનો ઉલ્લેખ કરાયો છે.


ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુની નાદુરસ્ત તબિયત 

ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવા તથા સુસાઇડ નોટ મળી આવ્યાની વિગતો મળતા ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુ પણ વ્યથિત થયા છે અને આઘાતમાં સરી ગયા છે તેઓની પણ ના દુરસ્ત તબિયત છે 


સુસાઈડ નોટની આશ્રમ સાથે સંકળાયેલા અન્યને નકલો મોકલી

મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટની નકલ જૂનાગઢ ભારતી આશ્રમ, સતિષભાઈ ખરેડી, અતુલભાઇ મકવાણા, જયેશભાઈ કુબાવત, ભાવેશભાઈ લાખાણી, ચિરાગ પરમાર, બકાભાઇ અમેરિકા, મનોજ જોબનપુત્રા અને રમેશભાઈ પંચાલ  સહિતનાઓને સુસાઇડ નોટની નકલ મોકલી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો  છે.


ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ એકાએક ગુમ થયા છે. જોકે ગુમ થયા બાદ સોશિયલ મીડિયામાં અગાઉનો ચેટનો ઓડિયો પણ વાયરલ થયો છે. બાપુ ગુમ થયા બાદ એકાએક ઓડિયો વાયરલ કેમ થયો, આ ઉપરાંત સુસાઇડ નોટમાં બાપુએ માનસિક ત્રાસ દર્શાવ્યો પરંતુ વાયરલ થયેલ ઓડિયોમાં વાતચીત બાદ અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. બાપુના ગુમ થયા બાદ જ ઓડિયો વાયરલ કેમ થયો, તે અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. જેથી આંતરિક મતભેદ કે પછી અન્ય કોઈ કારણ છે તે અંગે પણ તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે. જોકે આશ્રમ દ્વારા  સેવકોને કોઈપણ અફવામાં ન આવવા જણાવ્યું છે અને પોલીસને ગુમ થયેલા બાપુને શોધી કાઢવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતી આશ્રમના જ મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ પણ વડોદરા આશ્રમ છોડીને ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયા હતા અને ત્યારબાદ નાસિક વિસ્તારમાંથી મળી આવ્યા હતા.


વાયરલ થયેલ વોટ્સએપ ચેટમાં

આપતીજનક પ્રેમ ભર્યા શબ્દોનો ઉલ્લેખ- ઊંડાણપૂર્વકની તપાસ થાય તો ભાંડાફોડની શક્યતા

ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થયા બાદ સોશિયલ મીડિયામાં તેનો અન્ય કોઈ વ્યક્તિ સાથે કથીત વોટ્સએપ ચેટ પણ વાયરલ થયો છે. જેમાં આપત્તિ જનક શબ્દોનો ઉલ્લેખ થયો છે. વાયરલ થયેલ વોટ્સએપ ચેટમાં પ્રેમ ભર્યા શબ્દોનો ઉલ્લેખ કરાયો છે. જેથી ચેટ અંગે પણ અનેક પ્રશ્ન ઉભા થયા છે. સમગ્ર બાબતે બાપુના ગુમ થયા બાદ જ વાયરલ થતા કોઈ વિરોધીઓનું કાવતરું છે કે કેમ ? જે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો બાપુના ગુમ થવા પાછળ ખરા અર્થમાં કયું કારણ છે તે પણ વિગતો સામે આવશે. મળી આવેલી ચિઠ્ઠીમાં માનસિક દુઃખ ત્રાસનો ઉલ્લેખ કરાયો છે પરંતુ ખરા અર્થમાં મુખ્ય કારણ માનસિક ત્રાસ છે કે અન્ય કોઈ પ્રશ્ન કારણભૂત તે અંગે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરે તો વધુ ફોડ પડી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application