BREAKING NEWS

જામનગરમાં'વડીલ વાત્સલ્યધામ' માં ગત સાત વર્ષમાં સ્વર્ગવાસ પામેલ સંસ્થા નિવાસી ર૭ વડીલોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન....

  • January 21, 2026 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

II માનવતા, સંવેદના અને સેવાના મહાપર્વનો મંગલ પ્રારંભ ।।


જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા છ વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી ૮ મા વર્ષમાં આયોજિત સમાજલક્ષી કાર્યક્રમ ની માહિતી આજે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સહિતના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.


"વય વંદના" ના પવિત્ર ભાવ સાથે ૨૭ જુલાઇ ૨૦૧૮ ના રોજ જામનગરની પવિત્ર ભૂમિ પર સેવાનું જે પ્રથમ ડગલું માંડ્યું હતું, તે આજે એક વટવૃષ બને તે દિશામાં પ્રયાસો ની હારમાળા માં વધુ થોડા મોતી.

તપોવન ફાઉન્ડેશન સંચાલિત "માતૃ ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ" સાત વર્ષની સફરમાં અનેક પરિવારો માટે આશાનું કિરણ સાબિત થયું છે. ફાઉન્ડર રાજેનભાઈ જાની, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પરેશભાઈ જાની અને અસંખ્ય કાર્યકર્તાઓના સહયોગથી આ સંસ્થા આજે સામાજિક સમભાવનું પ્રતિક બની છે.

- નિઃસ્વાર્થ વય વંદના: જ્ઞાતિ-જાતિના ભેવભાવ વગર, જે વડીલો પાસે સંતાનનું સુખ નથી, તેમના જીવનની સંઘ્યાને ભક્તિ અને સન્માનથી પ્રકાશિત કરવામાં આવી છે.

- કન્યાદાનનો મહિમા: અત્યાર સુધીમાં ૧૬ દિકરીઓના ૨૦૨૨- ૨૦૨૪ બે વખત જાજરમાન સમૂહ લગ્ન યોજીને સાબિત કર્યુ છે કે દરેક દીકરી સમાજની લાડકી છે.

શ્રદ્ધાની સરવાણી: વડીલોને હવાઈ મુસાફરી દ્વારા ગોકુલ-મથુરા-હરિદ્વાર અને એ.સી. બસ દ્વારા શ્રીનાથજી-અંબાજીની યાત્રા કરાવી ધન્યતા અનુભવી છે.

-આરોગ્ય અને સ્વાસ્થ્ય સેવાઃ કોરોના કાળમાં જોખમ ખેડીને ઉત્તરક્રિયા કરાવનાર જામનગર ના ૧૬૫ ભૂદેવોનું "કોરોના વોરિયર" તરીકે સન્માન કરવામાં આવ્યું. સાથે જ, રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર નિદાન કેમ્પ યોજી જરુરિયાતમંદોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડી છે.

એક પવિત્ર ઋણ અને મોક્ષનો સંકલ્પઃ

ગત છ વર્ષમાં સંસ્થામાં નિવાસ કરતા ૨૭ વડીલો દેવલોક પામ્યા છે. જેમના મોક્ષ માટે વિધિ કરનાર કોઈ પરિવારજન નથી, તેવા વડીલોના "પરિવાર" બની તપોવન ફાઉન્ડેશન દ્વારા આગામી ૨૬ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન શ્રીમદ્દ્ભાવગત સપ્તાહ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તા શ્યામભાઈ ઠાકરની વાણીમાં વહેતી સંગીતમય કથા તથા હિરેનભાઈ ત્રિવેદી ના આચાર્ય પદે ૩૧ ભૂદેવો સાથે શ્રીમદ્ ભાવગત નું સંસ્કૃતમાં મૂળ પારાયણ નું પઠન મૃતાત્માઓ માટે મોક્ષનું દ્વાર બનશે.

કથા દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરી અને દીકરાના લગ્ન પ્રસંગને "રૂક્ષ્મણી વિવાહ" તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ભાગવત સપ્તાહના દરેક શ્રોતા માતા-પિતા બની નવદંપતીને આશીર્વાદ આપશે, જેથી કોઇ બાળક પોતાની જાતને "અનાથ" ન અનુભવે.


ભવિષ્યના ભગીરથ સંકલ્પોઃ

સાત વર્ષની સફળતા બાદ સંસ્થા હવે નવા લક્ષ્યાંકો તરફ આગળ વધી રહી છે.

૧. નિઃશુલ્ક દ્વારકા યાત્રા: પુરષોત્તમ માસમાં ૧૦૦૮ બહેનો માટે ભોજન-નાસ્તા સાથેની સંપૂર્ણ નિઃશુલ્ક યાત્રા.

૨. ૧૦૮ સમૂહ લગ્નોત્સવ: ૧૪ માર્ચ ૨૦૨૭ ના રોજ ૧૦૮ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી ૧૦૮ પરિવારોમાં ખુશી લાવવાનો સંકલ્પ.

તપોવન ફાઉનડેશન જામનગરની પુણ્યશાળી જનતાને આવાહન કરે છે કે, આ માનવતાના મહાકુંભમાં આપ સૌ તન, મન અને ધનથી સહભાગી બનો. આપનો સહકાર જ આ સેવાકાર્યોની તાકાત છે. આવો, સાથે મળીને નવદંપતીને આશિર્વાદ આપીએ અને દિવંગત વડીલોના મોક્ષના સાક્ષી બનીએ.

તપોવન ફાઉન્ડેશન જ્યાં માનવતા મહેકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application