કાલાવડના રાજસ્થળી પાટીયા પાસે એક શીખ યુવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજયુ હતું, કયા કારણસર મૃત્યુ થયુ એ જાણવા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ કાલાવડમાં રહેતા કુલદીપસિંગ કરણસિંગ શીખ (ઉ.વ.૨૬) નામનો યુવાન ગત તા. ૯-૧૧-૨૫ના રાત્રીના બારેક વાગ્યા પછી રાજકોટ ખાતેથી મોટરસાયકલ લઇને તેમના ભાણેજ અર્જુનના ઘરે જવા માટે નીકળ્યો હતો અને ત્યાર બાદ રાજકોટ-કાલાવડ હાઇવે રાજસ્થળી પાટીયા પાસે પહોચતા કુલદીપસિંગ કોઇપણ કારણસર મરણગયેલ હાલતમાં મળી આવેલ હતા.
આ અંગે કાલાવડના કુંભનાથપરામાં રહેતા મુળ ભાટીયા ગામના અને તાળા ચાવીનો ધંધો કરતા ભુપેન્દ્રસીંગ કરણસીંગ દ્વારા કાલાવડ ટાઉન પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ ગોવાણી તપાસ ચલાવી રહયા છે.
વધુમાં મળેલી વિગત મુજબ બાઇકમાં નીકળ્યા બાદ શીખ યુવાને રાજસ્થળી પાટીયા પાસે કોઇ કારણસર નીચે પડેલી હાલતમાં જોવા મળ્યા હતા, મૃતક યુવાન પોતાના ભાણેજના ઘરે મોડે સુધી નહી પહોચતા શોધખોળ આદરવામાં આવી હતી, દરમ્યાન માર્ગ પાસે મૃતદેહ મળી આવ્યો હતો, કોઇ અકસ્માત નડયો અથવા તો કોઇપણ રીતે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજયાનું તારણ લગાવવામાં આવી રહયુ છે, જો કે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે, હાલ પોલીસે આ બનાવમાં જીણવટભરી તપાસ હાથ ધરી છે.