વૈશ્વિક સ્તરે થઈ રહેલા ધરખમ પરિવર્તન થકી આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં એક ટકાથી વધુ ન ઉછાળો જોવા મળ્યો. તારીખ 23 ડિસેમ્બરને મંગળવારે બંને કીમતી ધાતુઓના ભાવમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળ્યો. એમસીએક્સ પર ફેબ્રુઆરી ફ્યુચર સોનુ 1.1 ટકા વધારા સાથે રૂપિયા 1,38,300 પર ખૂલ્યું હતું. જ્યારે ચાંદીએ 1.7 ટકા ઉછાળા સાથે રૂપિયા 2,16,596ની નવી સપાટી પાર કરી હતી. જ્યારે રાજકોટની સ્થાનિક બજારમાં જીએસટી સાથે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1500 ઉછાળા સાથે રૂપિયા 1,40,800 એટલે કે 1,41,000ની સપાટી પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટી તેજી જોવા મળી છે. કોમેકસ પર સોનાના ભાવ 4481 ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવ્યા હતા. સવારે 9:10 વાગ્યે એમસીએક્સ પર સોનામાં 1.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જે બપોરે 1:00 વાગ્યે એક 1.6 ટકાએ પહોંચ્યો હતો. સોના અને ચાંદી બને કીમતી ધાતુના ભાવોમાં મોટો ઉછાળો વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોના કારણે જોવા મળ્યો હતો. વેન્ઝ્યુલા સહિત વિશ્વના કેટલાક દેશોમાં વધી રહેલા તનાવ, ડોલર સામે રૂપિયાએ મજબૂતી ગુમાવતા, અમેરિકા વ્યાજ દરમાં ઘટાડાની આશા તથા સલામત રોકાણની વધતી માંગ વચ્ચે બંને કીમતી ધાતુ સોના અને ચાંદીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં નવી ઊંચાઈ સર કરી છે.
વર્તમાન સમયમાં ભારતભરમાં તેજીના માહોલ વચ્ચે બને કીમતી ધાતુઓ 1979 પછી એટલે કે 45 વર્ષમાં સૌથી મજબૂત વાર્ષિક પ્રદર્શન કરી રહી છે. સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવ ડિસેમ્બર પૂર્ણ થતા સુધીમાં રૂપિયા 1,50,000ની સપાટી પાર કરે તેવી પ્રબળ સંભાવના દર્શાવવામાં આવી છે. બીજું દેશના સ્થાનિક બજારમાં કમુરતા બેસતા લગ્નગાળો પૂર્ણ થયો છે. લગ્નગાળા દરમિયાન થયેલી બહોળી ખરીદી, તથા સલામત રોકાણના કારણે રોકાણકારોએ બહોળા પ્રમાણમાં બંને ધાતુઓની ખરીદી કરવાના કારણે દેશભરની બજારોમાં સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.