BREAKING NEWS

ચાંદીના ભાવ માત્ર નવ મહિનામાં બમણા, રાજકોટમાં સોનાના ભાવ રૂ. 500 વધીને રૂ.1,36,635 થયો

  • December 17, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સોના ચાંદીની બજારમાં આજે ઐતિહાસિક દિવસ નોંધાયો છે. ફરી એક વખત ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને સર્વોચ્ચ સપાટી વટાવી છે. એક જ દિવસમાં મોટા ઉછાળાના કારણે ચાંદીના ભાવ વધીને 2,05,000ને પાર કરી ગયા છે. જેના કારણે ચાંદીના રોકાણકારોને ચાંદી થઈ જતા ખુશીની લહેર જોવા મળી હતી.વૈશ્વિક પરિવર્તનની ઈફેક્ટ કીમતી ધાતુઓ ચાંદી અને સોનાના ભાવમાં રોજબરોજ ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે.આજે 17 ડિસેમ્બરના દિવસે ચાંદી ફરી એક વખત 2 લાખને પાર પ્રતિ કિલો જોવા મળી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ચાંદીના ભાવમાં રૂપિયા 7,500નો ઉછાળો જોવા મળ્યો છે એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચાંદીનો ભાવ રૂ.2,05,000ને પાર કરી ગયો છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

આજના કારોબારમાં ચાંદીના વાયદા ભાવમાં રૂ.7,590નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, જે લગભગ 3.84 ટકાનો વધારો દર્શાવે છે. આ ઐતિહાસિક તેજી સાથે, માર્ચ 2026ના વાયદાનો ભાવ રૂ.2,05,345 પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો હતો. બજાર નિષ્ણાતો આ ઉછાળાને અભૂતપૂર્વ ગણાવી રહ્યા છે, જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને મોટો નફો અપાવ્યો છે.


આ પહેલા ચાંદીના ભાવ રૂપિયા 1,91,977 હતા. છેલ્લા એક વર્ષમાં ચાંદીમાં રૂપિયા 1,14,733 જેટલો ભાવ વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે 24 કેરેટ સોનુ પ્રતિ 10 ગ્રામ વધીને રૂપિયા 1,34, 236 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયેલું જોવા મળ્યું છે. આ અગાઉ 15 ડિસેમ્બરે 24 કેરેટ સોનાના ભાવ 1,33,442 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યા હતા. જ્યારે આજે રાજકોટની સ્થાનિક બજારમાં સોનાના ભાવ 1,36, 635ની સપાટી પર ટ્રેન્ડ જોવા મળ્યા હતા.


આ વર્ષે 18 માર્ચના રોજ ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચી હતી. એટલે કે ચાંદીને 1 લાખથી 2 લાખ પર પહોંચવા માટે માત્ર 9 મહિનાનો સમય લાગ્યો છે. જ્યારે પ્રતિ કિલો રૂપિયા 50,000 થી 1 લાખ સુધી પહોંચવામાં 14 વર્ષ લાગ્યા હતા. જ્યારે સોનામાં રૂપિયા 56,551નો પ્રતિ 10 ગ્રામ ભાવ વધારો નોંધાયો છે. 31 ડિસેમ્બર 2024 પર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ રૂપિયા 76,162 હતા. જે હવે વધીને 1,32,713 થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા 1,14,733 જેટલો વધી ગયો છે. 31 ડિસેમ્બર 2024 પર ચાંદી 8017 હતી જે વધીને હવે રૂપિયા 2, 00,750 પ્રતિ કિલો પર પહોંચ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 4317 ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવ્યો છે.


ચાંદીની સાથે-સાથે સોનામાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં રૂ.241નો વધારો નોંધાયો હતો, જેની સાથે સોનાનો ભાવ રૂ.1,34,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. જોકે, સોનાનો ઉછાળો ચાંદીની સરખામણીમાં ઓછો હતો, તેમ છતાં બંને કિંમતી ધાતુઓમાં તેજીનો ટ્રેન્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કિંમતી ધાતુઓમાં આ તેજી પાછળ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, મુખ્ય કરન્સી ડૉલર સામે રૂપિયાની નબળાઈ અને ભૌગોલિક-રાજકીય તણાવ જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે. સામાન્ય રીતે, જ્યારે બજારમાં જોખમ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદી જેવી સુરક્ષિત ધાતુઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક માંગમાં વધારો પણ ચાંદીના ભાવને ટેકો આપી રહ્યો છે. એકંદરે, બુલિયન માર્કેટમાં આવેલી આ ઐતિહાસિક તેજીએ રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.


ચાંદીના ભાવ વધવા પાછળ તેનો વધી રહેલો ઉપયોગ

સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનો સૌથી વધુ ચાંદી ખરીદતો દેશ છે. વર્ષ 2024 માં ભારતમાં કુલ 7,7003 ચાંદીનું વેચાણ થયું હતું. જેમાં કુલ વેચાણના 10 થી 20 ટકા જેટલું ચાંદીનું ઉત્પાદન ભારતમાં થયું હતું. બાકીની 80 ટકા ચાંદીની વિદેશમાંથી આયાત કરવામાં આવી હતી. ચાંદીનો ભાવ વધવા પાછળનો સૌથી મહત્વના કારણો પર નજર કરીએ તો.. ચાંદીનો સૌથી વધુ ઉપયોગ ગેલેરીમાં થાય છે. આ સિવાય ઔદ્યોગિક, ઇલેક્ટ્રોનિક્સ અને રોકાણ માટે પણ તેની માગ વિપુલ પ્રમાણમાં રહેતી હોય છે. સોલાર પેનલ, બેટરી, મેડિકલ ઇક્વિપમેન્ટ, મોબાઈલ, કોમ્પ્યુટર અને એલઇડી લાઇટમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આ સિવાય ઇલેક્ટ્રોનિક્સ વાહનો બનાવવા માટે પણ ચાંદીનો ઉપયોગ પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સતત ચાંદીની માંગ વધી રહી છે. અને માર્ગ વધવાના કારણે તેના ભાવ સર્વોચ્ચ સપાટી વટાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application