વૈશ્વિક બજારમાં ચાલી રહેલી મોટી હલચલ અને આર્થિક સમીકરણો બદલાવાને કારણે ભારતીય બુલિયન માર્કેટમાં આજે ભૂકંપ આવી ગયો છે. સોના અને ચાંદીના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે, જેને પગલે સોના-ચાંદીના રોકાણકારોના હૃદયના ધબકારા વધી ગયા છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ. 17,510નો મસમોટો ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ રૂ. 4,757નો મોટો કડાકો બોલાઈ ગયો છે.
બજારના આ તાજા કડાકા બાદ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, આ તોતિંગ ઘટાડાને પગલે બજારમાં સોનાનો ભાવ ગગડીને ૧,૫૪,૭૯૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, ઔદ્યોગિક માંગમાં આવેલા નરમ વલણ અને ભારે વેચવાલીના કારણે ચાંદીનો ભાવ પણ તૂટીને 2,47,286 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે આવી ગયો છે. આ ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે ખરીદીની સુવર્ણ તક લાવ્યો છે, પરંતુ ઊંચા ભાવે રોકાણ કરનારા વેપારીઓ અને રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે.
સોના-ચાંદીમાં આવેલા આ ભયાનક ભૂકંપ પાછળ અમેરિકાના આર્થિક આંકડા જવાબદાર છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ (BLS) દ્વારા શુક્રવારે સાંજે જારી કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકામાં મે મહિના દરમિયાન નોન-ફાર્મ પેરોલ્સ (NFP) એટલે કે રોજગારની સંખ્યામાં 1,72,000 નો મોટો વધારો થયો છે. બજારના વિશ્લેષકો માત્ર 85,000 નવી નોકરીઓની આશા રાખીને બેઠા હતા, પરંતુ વાસ્તવિક આંકડો તેનાથી બમણો આવ્યો છે.
આ મજબૂત આંકડાનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ ધારણા કરતાં વધુ મજબૂત છે. આના કારણે અમેરિકન સેન્ટ્રલ બેંક 'ફેડરલ રિઝર્વ' વ્યાજ દરોમાં વહેલી તકે જે ઘટાડો કરવાની હતી, તે હવે મોડો અથવા ઓછો કરશે. ડૉલર ઇન્ડેક્સ 99.4 ની સપાટી પર મજબૂત થતાં અને વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતાને પગલે રોકાણકારોએ સોના-ચાંદી જેવા સુરક્ષિત ગણાતા રોકાણમાંથી નાણાં પાછા ખેંચી લીધા છે, જેના લીધે આ કડાકો બોલાયો છે.