વૈશ્વિક પરિવર્તનની અસરથી ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે 7 જાન્યુઆરી અને બુધવારના દિવસે વાયદા બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીએ વધું એક વખત સર્વોચ્ચ સપાટી પર કરી છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 6 માર્ચના વાયદાની ચાંદીનો ભાવ તેના અગાઉના રૂ.2,52,000 પ્રતિ કિલોગ્રામના બંધ ભાવ સામે અંદાજે રૂ. 8000ના ઉછાળા સાથે રૂ.2,59,692ના નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.જોકે, આ સપાટીને સ્પર્શ્યા બાદ અચાનક જ ભાવમાં મોટો કડાકો આવ્યો અને ચાંદી એક ઝાટકે રૂ.5,000 પ્રતિ કિલો જેટલા ગગડીને રૂ.2,55,208 પર ટ્રેન્ડ કરતાં જોવા મળ્યા હતા.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર વાયદા બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. રોકાણકારોની ખરીદીના પગલે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જ્યારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એમસીએક્સ પર ચાંદીના વાયદામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં માર્ચના વાયદાની ચાંદીનો ભાવ રૂ.2,584811 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. જ્યારે આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી રૂ. 2,57,599 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. તેમજ દિવસ દરમિયાન ચાંદીએ રૂ. 2,59,692 ની સર્વોચ્ચ સપાટી વટાવી હતી
આ સપ્તાહના શરૂઆતના બે દિવસમાં જ ચાંદીના વાયદા ભાવમાં રૂ.20,000નો ઉછાળો આવ્યો હતો, જે બાદ આજે બુધવારે મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 4500 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યા છે. જ્યારે ચાંદીના ભાવ 2 ટકા ઉછળીને 80 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યા હતા.જ્યારે જીએસટી વિના સોનાના ભાવમાં આજે નરમાઈ જોવા મળી રહી છે. એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનો સોનાનો ભાવ ગઈકાલે રૂ.1,39,083 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે રૂ.1,39,140 પર ખુલ્યો હતો. થોડા સમય બાદ પોઇન્ટ 13 ટકા ઘટાડા સાથે રૂ.1,38,905 પ્રતિ10 ગ્રામ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન સોનાએ એકલા 1,38,642ની સપાટી પણ બનાવી હતી. જ્યારે જીએસટી સાથે સોનાના ભાવ ગઈકાલે બંધ ભાવ કરતા રાજકોટમાં નજીવા વધારા સાથે રૂ.1,41,089 પર ટ્રેન્ડ કરતાં જોવા મળ્યા હતા.