અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં યુવાનની નિર્મમ હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં આગજનીની ઘટનાઓ પણ બની હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર ધંધુકા અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સર્ચ ઓપરેશન
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા પોલીસ વડા (SP) સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા દોડી આવ્યો છે. મોડી રાત્રે પોલીસે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં DySP, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) જેવી મહત્વની એજન્સીઓની ટીમો સામેલ થઈ હતી. પોલીસે શંકાસ્પદ વિસ્તારોમાં જઈને તપાસ હાથ ધરી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.
એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કડક ચેકિંગ
ધંધુકા શહેરમાં બહારથી આવતા તત્વો પર નજર રાખવા માટે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ દ્વારા સ્પેશિયલ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. હાઈવે પરથી પસાર થતા તમામ નાના-મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.
શાંતિ જાળવવા અપીલ
હત્યાની આ ઘટનાને પગલે લોકોમાં વ્યાપેલો ગુસ્સો શાંત પાડવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ ભડકાઉ પોસ્ટ દ્વારા વાતાવરણ ન બગડે. હાલમાં ધંધુકાની બજારો અને રહેણાંક વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે. ગુનેગારોને વહેલી તકે પકડી પાડી કડક સજા કરવાની ખાતરી સાથે પોલીસ તંત્ર હાલ સતર્ક મોડમાં છે.
શું છે આખી ઘટના?
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી ધર્મેશ નામના યુવકની હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે એક્શન મોડમાં આવી મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું.
ધંધુકામાં વાહન ઓવરટેક કરવા બાબતે થયેલી તકરારમાં રિઝવાન અને સમીર નામના શખ્સોએ ધર્મેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની કરપીણ હત્યા નિપજાવી હતી. હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉશ્કેરાયેલા ટોળાએ શહેરમાં આગચંપી કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં હત્યાના આરોપીઓ તેમજ આગચંપી કરનારા તત્વો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SP, DYSP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા ઉતારી દેવામાં આવ્યો હતો.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોના નિવાસસ્થાને રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદોના ઘરેથી તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસે શંકાસ્પદ હલચલ ધરાવતા કેટલાક લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. હાલ ધંધુકામાં તંગદિલીભર્યા શાંતિના માહોલ વચ્ચે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ધંધુકા શહેરની હોટલો અને જાહેર સ્થળો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અફવા ન ફેલાય. હાલમાં પરિસ્થિતિ અંકુશમાં હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.