BREAKING NEWS

સ્પેનના કેનરી આઇલેન્ડ પર તૂટ્યો 6 વર્ષનો રેકોર્ડ: એક જ દિવસમાં 1500 પ્રવાસીઓ પહોંચ્યા, 14 બોટનું કરાયું રેસ્ક્યુ

  • November 15, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પેનના કેનરી દ્વીપસમૂહ (Canary Islands) પર શનિવારે શરણાર્થીઓ અને પ્રવાસીઓના આગમનનો છેલ્લા 6 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રાપ્ત સત્તાવાર અહેવાલો અનુસાર, શનિવારે એક જ દિવસમાં આશરે 1500 જેટલા પ્રવાસીઓ દરિયાઈ માર્ગે કેનરી ટાપુઓ પર પહોંચ્યા હતા. વર્ષ 2020 બાદ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હોય તેવી આ પ્રથમ અને સૌથી મોટી ઘટના છે.


દરિયાઈ બચાવ સેવાના હવાલાથી મળતી માહિતી મુજબ, સ્પેનિશ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં મુશ્કેલીમાં મુકાયેલી કુલ 14 બોટનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં સવાર કુલ 1,488 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનાથી પશ્ચિમ આફ્રિકન દેશોમાંથી નાની બોટ મારફતે આ સ્પેનિશ ટાપુઓ પર પહોંચનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન માટે ગંભીર પડકારો ઊભા થયા છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે બચાવવામાં આવેલી એક જ બોટમાં 240 લોકો ખીચોખીચ ભરેલા હતા, જેમાં 12 મહિલાઓ અને 36 નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો. રેસ્ક્યુ કરાયેલા આ તમામ પ્રવાસીઓને કેનરી દ્વીપસમૂહના સૌથી નાના ટાપુઓમાંના એક એવા 'એલ હિએરો' (El Hierro) ખાતે લઈ જવામાં આવ્યા છે. આ પ્રવાસીઓમાં મોટાભાગના લોકો સેનેગલ, ગામ્બિયા અને ગિની-કોનાક્રી જેવા આફ્રિકન દેશોના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. શનિવારે કુલ 14 બોટમાંથી 12 બોટ એલ હિએરો ટાપુ પર પહોંચી હતી, જ્યારે 1 બોટ ગ્રાન કેનેરિયા અને અન્ય 1 બોટ ટેનેરિફ ટાપુ પર પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્પેનના પ્રાદેશિક નીતિ મંત્રી એન્જલ વિક્ટર ટોરેસ રવિવારે એલ હિએરોની મુલાકાત લેશે અને પ્રવાસીઓના વિશાળ પ્રવાહ અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે.


​​​​​​​પશ્ચિમ આફ્રિકાથી કેનરી દ્વીપસમૂહ સુધીનો એટલાન્ટિક દરિયાઈ માર્ગ સમગ્ર વિશ્વના સૌથી જોખમી અને જીવલેણ સ્થળાંતર માર્ગોમાંનો એક ગણાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ બહેતર જીવનની આશામાં દરિયાના ઊંચા મોજાં, તેજ પ્રવાહો અને લાંબા અંતરની પરવા કર્યા વિના ખખડધજ બોટમાં આ જીવલેણ મુસાફરી ખેડે છે. પાનખર ઋતુના મહિનાઓમાં દરિયો પ્રમાણમાં શાંત રહેતો હોવાથી પ્રવાસીઓના આગમનમાં ઉછાળો આવે છે. જોકે, સરકારી આંકડા મુજબ 1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર દરમિયાન કેનરી દ્વીપસમૂહ પહોંચનારા કુલ પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 5.5 ટકા ઓછી નોંધાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application