સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. ગત મોડી રાત્રે ડુમસ રોડ પર આવેલા અતિ પોશ ગણાતા સાયલન્ટ ઝોન વિસ્તારની 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગના ટાવર-બીમાં આવેલા ફ્લેટ નંબર 1317માં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં કોઈપણ પ્રકારની પરમિટ વગર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા કાપડના છ ધનાઢ્ય વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ફ્લેટની અંદર દાખલ થઈને સઘન તલાશી લેતાં જમણી બાજુના રૂમમાં આવેલા કબાટમાં સંતાડીને રાખવામાં આવેલી મોંઘીદાટ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ફ્લેટ માલિક અનુપ પુરુષોત્તમ પાંપાળીયા તેમજ તેમની સાથે મહેફિલ માણી રહેલા અન્ય પાંચ વેપારીઓ ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ધીરજ જગદીશપાંપાળીયા, આનંદ ભાગીરથ પાંપાળીયા, મુદસીર નાઝીર માંકડા અને ગગન સંતોષ ચાંડકની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી.
દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રૂ.1,07,180ની કિંમતની વિદેશી દારૂની કુલ 14 બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.4,00,000ની કિંમતના 8 પ્રીમિયમ મોબાઈલ ફોન અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ.5,00,000ની કિંમતની કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.10,07,180નો મુદ્દામાલ કબજે કરીને તમામ છ વેપારીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 14 ઓગસ્ટે ડુમસમાં બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા 12-એ’માં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈપ્રોફાઈલ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી, જેમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઇને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યાંજ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો અને તમામને પકડી લીધા હતા.