રાજકોટ જિલ્લા પંચાયતોમાં નાયબ ચીટનીશ તરીકે વર્ગ ત્રણ ના કર્મચારી તરીકે ફરજ બજાવતા બે ને તાલુકા વિકાસ અધિકારી તરીકે વર્ગ- ૨ ના પ્રમોશન આપવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં આ મુજબ છ નાયબ ચીટનીશ ને પ્રમોશન આપવામાં આવ્યા હતા. પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કરતા સરકારે આકરી શરત સાથે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગની સંમતિ લઈને કરવામાં આવેલા ઓર્ડર મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ ચિટનીશ રાકેશ ગોરધનભાઈ રાઠોડને તાલુકા વિકાસ અધિકારીનું પ્રમોશન આપીને મોરબી જિલ્લાના માળીયા મીયાણામાં પોસ્ટિંગ અપાયું હતું. જ્યારે બીજા નાયબ ચીટનીશ મુકુંદભાઈ રાવલને જુનાગઢ જિલ્લાના વંથલીમાં પોસ્ટિંગ અપાયું હતું.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ભાવેશ રતિલાલ ભાડેલિયા ભાવનગર જિલ્લા પંચાયતના ગૌરાંગ જોશી જામનગરના કેતન દામજીભાઈ નકુમ અને રાજેશ કિશોરભાઈ જોષીને પણ પ્રમોશન આપવામાં આવ્યા હતા.
જામનગરના નકુમ અને જોશીને અનુક્રમે પડધરી તથા ગોંડલમાં પ્રમોશન સાથે મૂકવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં લાઠી ખાતે સુરેન્દ્રનગરના ભાવેશ ભાડેલીયા અને ગૌરાંગ જોશીને ખાંભા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકેની નિમણૂક આપવામાં આવી હતી.
આ તમામે પ્રમોશનનો ઇનકાર કરતા સરકારે તેમના પ્રમોશન અને ટ્રાન્સફરના હુકમો રદ કર્યા છે અને સાથે સાથે જણાવ્યું છે કે આવા કર્મચારીઓએ પ્રમોશન માટેનો પોતાનો હક સ્વેચ્છાએ જતો કર્યો હોવાથી તેમને થનાર અથવા તો થયેલા આર્થિક નુકસાન પરત મેળવવા કે બઢતીના વર્ગ-૨ માં ભવિષ્યમાં મેરીટ લીસ્ટ અંગેનો કોઈ હક કે દાવો કરી શકશે નહીં. વર્ગ-૨ માં જો કોઈ ઉચ્ચતર પગાર ધોરણ મેળવેલ હોય તો તે પણ પરત કરવાનું રહેશે. ભવિષ્યમાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે તેઓ હકદાર રહેશે નહીં. બઢતીનો ઇનકાર કર્યાની તારીખથી એક વર્ષની મુદત માટે અથવા તો પછીથી ખાલી જગ્યા ઉભી થાય ત્યાં સુધી બેમાંથી જે મોડું હશે ત્યાં સુધી આવા કર્મચારીઓના પ્રમોશન માટે વિચારણા કરવામાં નહીં આવે.