રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના એક પછી એક અડધા ડઝનથી વધુ આંચકા નોંધાતા ધરતી ધણધણી ઉઠી હતી. ગત રાત્રે 8:43 વાગ્યે ઉપલેટા પંથકમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આથી જેતપુર, જૂનાગઢ, ધોરાજી સહિતના આસપાસના વિસ્તારોની પણ ધરતી ધણધણી ઉઠી હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 30 કિલોમીટર પૂર્વે ગઢાડા ગામ આસપાસના વિસ્તારોમાં જમીનની ૩૦ કિલોમીટર ઉંડાઈએ નોંધાયું હતું. ત્યારે આજે વહેલી સવારે ફરી સવા બે કલાકમાં જ ભૂકંપના સાત આંચકા નોંધાતા જેતપુર, ધોરાજી, જૂનાગઢ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી.
વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ભૂકંપના આંચકાથી જાનહાનિના કોઈ સમાચાર નથી.
સૌથી પહેલો ભૂકંપનો આંચકો સવારે 6.19 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 3.8ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 28 કિમી દૂર પૂર્વ ઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.7 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. બીજો આંચકો 6.56 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 2.9 હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 24 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.8 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.
ત્રીજો આંચકો બે મિનિટ પછી 6.58 વાગ્યે નોંધાયો હતો, જેની તીવ્રતા 3.2 હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.9 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. ચોથો આંચકો 7.10 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 2.9ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.1 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.
પાંચમો આંચકો ત્રણ મિનિટ બાદ એટલે કે 7.13 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 2.9ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 13.6 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. છઠ્ઠો આંચકો 20 મિનિટ બાદ એટલે કે 7.33 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 2.7ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.6 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. સાતમો આંચકો 8.34 વાગ્યે નોંધાયો હતો અને તીવ્રતા 3.2ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 13.1 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.
રાહતની વાત એ છે કે હજુ સુધી ક્યાંયથી પણ કોઈ મકાન ધરાશાયી થવાના કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, સૌરાષ્ટ્રના પથરાળ વિસ્તારમાં જમીન નીચે થતા નાના ફેરફારોને કારણે આ પ્રકારના આંચકા અનુભવાતા હોય છે.
ગઈકાલે સાંજના ૭:૧૬ વાગ્યે ખાંભા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ખૂબ જ ટૂંકા સમય માટે હતો, પરંતુ તેની અસર અનેક ગામડાઓમાં જોવા મળી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૯ નોંધાઈ હતી. ભૂકંપના આ હળવા આંચકાની ઇંગોરાળા, નાના વિસાવદર. નાની ધારી,
અનીડા સહિતના ગામોમાં થઈ હતી.