મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઈનોવા કાર ઓવરટેક કરવા જતા કાબૂ ગુમાવ્યો હતો અને 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત કલવાન તાલુકાના સપ્તશૃંગગઢ ઘાટ પર થયો હતો. બધા મૃતકો નિફાડ તાલુકાના પિંપળગાંવ બસવંતના રહેવાસી હતા. કારમાં કુલ સાત લોકો સવાર હતા અને ટોયોટા ઇનોવા કારનો ભુક્કો થઈ ગયો હતો. કારમાં સવાર લોકો સપ્તશ્રૃંગી દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી.
મૃતકોના નામ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કીર્તિબેન પટેલ (ઉં.૫૦), રસીલાબેન પટેલ (ઉં.૫૦), વિઠ્ઠલભાઈ પટેલ (ઉં.૬૫), લતાબેન પટેલ (ઉ.૬૦), વચનભાઈ પટેલ (ઉં.૬૦) અને મણિબેન પટેલ (ઉં.૭૦) તરીકે થઈ હતી. પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટિલે રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિવાસી નાયબ કલેક્ટર અને સીઈઓ રોહિત કુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમની સાથે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિના કર્મચારીઓ પણ રાહત કાર્યમાં રોકાયેલા હતા.
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મહારાષ્ટ્રના નાસિકમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. નાસિક જિલ્લાના સપ્તશ્રૃંગી ગઢ ખાતે શ્રદ્ધાળુઓને લઈ જતી ઈનોવા કાર ખીણમાંપડી જતાં આ અકસ્માત થયો હતો.
5 લાખની સહાય જાહેર
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી અને મૃતક શ્રદ્ધાળુઓના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે, નાસિક જિલ્લાના સપ્તશ્રૃંગી ગઢ ખાતે વાહન પડી જવાથી થયેલા અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. હું તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સહભાગી છીએ.