જ્યારે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે જે તે ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતો હોય છે અને તેનાથી વિપરીત જ્યારે પુરવઠો વધુ હોય અને માંગ મર્યાદિત હોય ત્યારે જે તે ચીજ વસ્તુઓના ભાવ ઘટતા હોય છે તેવો અર્થશાસ્ત્રનો વન પ્લસ વન જેવો સિદ્ધાંત સિંગતેલ અને મગફળીના દાણાને લાગુ પડતો નથી. ઓઇલ મીલરોની ભારે પકડ ધરાવતા આ ક્ષેત્રમાં આ વર્ષે મગફળીનું વિક્રમ સર્જક વિપુલ 54 લાખ ટન જેટલું ઉત્પાદન થયું હોવા છતાં ભૂતકાળની સરખામણીએ અત્યારે ભાવ વધુ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી સિંગતેલ 15 કિલો ટીન નો ભાવ સરેરાશ રૂપિયા 2400 થી 2,500 આસપાસ રહ્યો છે. અગાઉના વર્ષોએ જ્યારે મગફળીનું ઉત્પાદન 43 થી ૪૫ લાખ ટનનું હતું ત્યારે રૂપિયા 3100 સુધી ડબ્બાનો ભાવ પહોંચી ગયો હતો.આ વર્ષે મગફળીનું ઉત્પાદન 53 થી 54 લાખ ટન થયું છે અને આમ છતાં આજની સ્થિતિએ સિંગતેલનો ભાવ એક ડબ્બાનો 3,000 આસપાસ પહોંચી ગયો છે. ત્રણ વર્ષ પહેલા વધુમાં વધુ રૂપિયા 3100 નો ભાવ હતો તે સપાટી હવે ટૂંક સમયમાં પ્રાપ્ત કરી લે તેવું લાગે છે.
ભાવમાં સતત વધારો થતો હોવા છતાં પુરવઠા વિભાગ અને સમગ્ર સરકારી તંત્ર હાથ જોડીને બેઠું છે. લોકોને વ્યાજબી ભાવે સિંગતેલ મળી રહે અને ભાવ વધારાની એકધારી કુચને બ્રેક લાગે તેવી કોઈ કાર્યવાહી થતી હોવાનું સપાટી પર જોવા મળતું નથી અને તેના કારણે જ છેલ્લા એક સપ્તાહમાં જ તેલમાં ડબે રૂપિયા 250 નો વધારો થઈ ચૂક્યો છે.
વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ આ વર્ષે સરકારી ટેકાના ભાવે 18 લાખ ટન મગફળીની ખરીદી કરી છે. જે ગયા વર્ષની સરખામણીએ 6 લાખ ટન જેટલી વધુ છે. હજુ વધુ બે લાખ ટનની ખરીદી સરકાર નાફેડ મારફત કરશે. પરંતુ એકધારી ખરીદીની પ્રક્રિયાની સાથો સાથ વેચાણની પ્રક્રિયા પણ થવી જોઈએ તે થતી નથી. જો બજારમાં નાફેડ પોતાનો માલ વેચે તો ભાવ દબાઈ, પરંતુ નાફેડ આવું કશું કરતી નથી અને ક્યારે માલ વેચવા કાઢશે તેની પણ કોઈ જાહેરાત હજૂ થઈ નથી.
છેલ્લા ત્રણ વર્ષથી સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના અન્ય તેલના ભાવ સિંગતેલની લગોલગ હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી મોટો વર્ગ અન્ય તેલ છોડીને સિંગતેલના ઉપયોગ તરફ વળ્યો છે અને તેના કારણે સિંગતેલની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. પરંતુ ભાવ વધારા પછી હવે ધીમે ધીમે આ પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે અને લોકો સિંગતેલનો વિકલ્પ અપનાવી રહ્યા છે.
બીજું એક બહાનું એવું આપવામાં આવે છે કે દિવાળી પછી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જોકે આ દલીલ અર્ધ સત્ય છે. કારણ કે મગફળીની ગુણવત્તામાં સામાન્ય અસર થઈ છે પરંતુ ઉત્પાદન યથાવત રહ્યું છે.
આવી જ રીતે અત્યારે સીંગદાણામાં પણ કુદકેને ભુશ્કે ભાવ સોના ચાંદીના ભાવની જેમ વધી રહ્યા હોવાથી અનેક વેપારીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. છેલ્લા 15 દિવસમાં સિંગદાણાના ભાવમાં 1 કીલોએ રૂપિયા 20 જેટલો વધારો થઈ ગયો છે અને ભાવ વધારો સતત ચાલુ જ છે. વેપારી વર્ગના જણાવ્યા મુજબ છેલ્લા 100 વર્ષમાં આવી તેજી અમે જોઈ નથી અને તેના કારણે ઘણા વેપારીઓ પણ ઉઠી જશે. બીજી બાજુ ખેડૂતોને બિયારણ માટેનો માલ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.