BREAKING NEWS

રિસોર્ટ પોલિટિક્સ? ફોર્મ પરત ખેંચે નહીં તે માટે રાજકોટ મનપાના કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

  • April 13, 2026 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ રાજકીય રસાકસી તેજ બની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસ છાવણીમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોતાના ઉમેદવારો પક્ષ પલટો ન કરે અથવા દબાણમાં આવીને ફોર્મ પરત ન ખેંચે તે માટે કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.


પીઢ નેતાઓ રાજકોટમાં, નવા ચહેરાઓ 'નજરકેદ'

રાજકોટ શહેર કોંગ્રેસના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, પક્ષે આ વખતે ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. જે જુના, જાગૃત અને પીઢ કોંગ્રેસી આગેવાનો છે કે જેમના પર પક્ષને અતૂટ વિશ્વાસ છે, તેમને રાજકોટમાં જ રહેવા દેવામાં આવ્યા છે. જોકે, જે નવા ચહેરાઓ અથવા જેમના પર જોખમ જણાય છે તેવા ઉમેદવારોને તાત્કાલિક અસરથી અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.


૧૫ એપ્રિલની ડેડલાઇન પર નજર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ (બુધવાર) છે. કોંગ્રેસને ભય છે કે ભાજપ દ્વારા તેમના ઉમેદવારો પર દબાણ લાવીને અથવા લાલચ આપીને ફોર્મ પરત ખેંચાવવામાં આવી શકે છે. આ જ કારણ છે કે અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા તમામ ઉમેદવારોને હવે સીધા બુધવારે સાંજે એટલે કે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ જ રાજકોટ પરત લાવવામાં આવશે.


રાજકીય ગરમાવો

રાજકોટના રાજકારણમાં આ 'રિઝોર્ટ પોલિટિક્સ' જેવો માહોલ સર્જાતા અનેક ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ કોઈપણ હદ સુધી જઈ શકે છે, તેથી લોકશાહી બચાવવા માટે આ પગલું ભરવું અનિવાર્ય હતું. બીજી તરફ, આ ઘટનાને પગલે મતદારોમાં પણ ચૂંટણીને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.


ફોર્મ પરત ખેંચવાના અંતિમ કલાકો દરમિયાન કોઈ પણ પ્રકારની ઉથલપાથલ ન થાય તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડે આ 'સેફ પેસેજ'ની નીતિ અપનાવી છે. હવે જોવાનું એ રહેશે કે ૧૫ એપ્રિલ પછી મેદાનમાં કેટલા ઉમેદવારો અકબંધ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application