જામનગર શહેરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે અદ્યતન ફલાય ઓવર બ્રિજના ઉદઘાટનમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ધન્વંતરી ખાતેના ઓડીટોરીયમમાં આવ્યા ત્યારે કેટલાક નગરસેવકો અને ભાજપના જુના કાર્યકરોને જગ્યા ન મળવાથી તેઓ નારાજ થઇને વીલા મોેઢે પાછા ફર્યા હતાં, જો કે આગામી દિવસોમાં કોર્પોરેટરની ચૂંટણી આવતી હોય આ તમામ લોકો ભારે નારાજ હોવા છતાં પણ આ અંગેની કોઇ ફરિયાદ કરી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજયના મુખ્યમંત્રી ધન્વંતરી ઓડીટોરીયમમાં સંબોધન માટે આવવાના હતાં ત્યારે પ્રેસ-મીડીયા અને ભાજપના કાર્યકરોને તેમની બેઠક ૯:૩૦ વાગ્યે લઇ લેવા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી, પરંતુ મુખ્યમંત્રી નિર્ધારીત સમય કરતા થોડા મોડા આવ્યા, કસાયેલા નગરસેવકો આરામથી ૧૦ અને ૧૦:૧૫ વાગ્યે ધન્વંતરી ઓડીટોરીમમાં પ્રવેશતા ચારેબાજુ આમતેમ જોયું પરંતુ તેઓ માટે કયાંય બેઠક ખાલી ન હોવાનું જોવા મળ્યું, થોડીવાર બાદ કેટલાક જુના કસાયેલા ભાજપ અને આરએસએસના કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતાં, પરંતુ યોગ્ય જગ્યાએ આખા ઓડીટોરીયમમાં કયાંય જગ્યા ન હોવાથી પગ પછાડતા ચાલ્યા ગયા હોવાનું પણ જોવા મળ્યું હતું.
જોગાનું જોગ ભાજપના જુજ નગરસેવકો અને કેટલાક કાર્યકરો જે વ્હેલા આવી ગયા હતાં તેમને જગ્યા મળી ગઇ હતી, વહિવટી તંત્રને મુખ્યમંત્રીને સારૂ લગાડવા માટે આયુર્વેદના ૧૫૦ થી ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓને ઉપર અને નીચેના ભાગમાં બેઠક આપી દેવામાં આવી હતી જેથી ઓડીટોરીયમ ભર્યુ-ભર્યુ લાગે, પરંતુ ખુદ ભાજપના જ વડા કહી શકાય અને જેમના હાથમાં ગુજરાતનું સુકાન છે તેમના જ કાર્યક્રમમાં ભાજપ અને આરએસએસના કોર્પોરેટરો અને કસાયેલા કાર્યકરોને બેઠક ન મળતાં ભારે નારાજગી થઇ હતી.
આવનારા દિવસોમાં મહાનગરપાલીકાની ચૂંટણી આવવાની છે એટલે જો અત્યારે વિરોધ કરે તો તેમના પત્તા કપાઇ જાય એવો ઘાટ ઘડાયો છે ત્યારે આમેય ૫૦ નગરસેવકોમાંથી ૧૬ થી ૧૮ કોર્પોરેટરોને જ કોર્પોરેટરની ટીકીટ મળશે તેવી ચર્ચા થઇ રહી છે ત્યારે બેઠક ન મળવાનો કડવો ઘુટડો ગળે ઉતારીને પણ આ કાર્યકરોએ અને નગરસેવકોએ કોઇપણ જાતની બબાલ કે વિરોધ કર્યો ન હતો અને સાંજે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું, આમ મોટાભાગના નગરસેવકોને મોડા આવવાના કારણે ધન્વંતરી ઓડીટોરીયમમાં જગ્યા મળી ન હતી તેની ચર્ચાઓ હવે શરૂ થઇ છે. જો કે નારાજ થયેલા નગરસેવકો આ અંગે કંઇપણ જાતનું બોલવા માંગતા નથી.