#aajkaal team
રાજકોટમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી. કાળી ચૌદસની રાતે એકસાથે ત્રણ ત્રણ હત્યા થતા શહેરમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હજુ આ ઘટનાના ઘા રૂઝાયા નહોતા ત્યાં દિવાળીના દિવસે જામનગર રોડ પર પિતા-પુત્રએ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાએ પણ શહેરમાં હાહાકાર મચાવી દીધો હતો. એટલું ઓછું હોઈ ત્યારે બેસતા વર્ષના દિવસે જ કુવાડવાના સણોસરા ગામે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં તો પુત્ર અને પુત્રીએ પિતાને મોત ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કુવાડવા નજીક સણોસરા ગામે વધુ એક હત્યાનો બનાવ સામે આવતા 3 દિવસમાં પાંચ પાંચ હત્યા પોલીસ ચોપડે નોંધાઇ છે. સણોસરા ગામે થયેલી હત્યાના બનાવમાં સંબંધોનું ખૂન થયું છે, જેમાં માનસિક બીમાર પિતાની હત્યા પોતાની જ દીકરી અને સગીર દીકરાએ કરી હોવાનું સામે આવ્યું છે. પિતાને વૃક્ષ સાથે બાંધી અને બાદમાં લાકડી વડે ઢોર માર મારી ક્રૂરતા પૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. હાલ પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી બકુલભાઈ નારૂભાઈ મેડા (ઉ.વ.55)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે સાત ભાઇઓ છીએ. મારા સૌથી મોટા ભાઈ સકરીયાભાઈ નારૂભાઇ મેડાને સંતાનમાં આઠ દીકરા-દિકરી છે. જેમાં સુમાભાઇ સકરીયાભાઈ મેડા તેના પરીવાર સાથે છેલ્લા 10 વર્ષથી રાજકોટના સણોસરા ગામ ખાતે જયંતીભાઇ ઠુમ્મરની વાડીમાં ખેતમજુરી કામ કરે છે. સુમાભાઈની પત્નીનું નામ કાંતાબેન છે જેઓ પણ ખેતમજુરી કામ કરે છે. મારો ભત્રીજો સુમાભાઈ માનસિક બીમાર છે, જેના કારણે ઘરેથી અવાર નવાર કહ્યા વગર નીકળી જાય છે અને તેની માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી.
ગત તા 21 ઓક્ટોબરના સવારના આશરે 11 વાગ્યા આસપાસ મને મારા ભત્રીજા સુમાભાઇ સકરીયાભાઇ મેડાની પત્ની કાંતાબેન સુમાભાઈ મેડાનો ફોન આવ્યો હતો અને મને કહ્યું કે, મારા પતિ સુમો સવારના આશરે 10.30 વાગ્યે બેભાન થઇ ગયા છે તે કાઇ બોલતા નથી અને શ્વાસ પણ બંધ છે. આ પછી મેં મારા ભત્રીજા દિનેશભાઈ જોગાભાઇ મેડાને ફોન કરી વાત કરી હતી. ત્યારબાદ અમે પરિવારના સભ્યો ખાનગી વાહન ભાડે કરી અમારા ગામથી રાજકોટના સણોસરા ગામમાં સુમાભાઇ સકરીયાભાઇ મેડા જે વાડીએ ખેતી કામ કરતા અને ત્યાં જ રહેતા હતા તે વાડીએ સાંજના આશરે 9 વાગ્યે પહોંચ્યા હતા. જ્યાં સુમાભાઈની પત્ની તથા તેમની દીકરી, દીકરો અને જમાઈ હાજર હતા.
અમે ત્યાં વાડીએ આવેલા મકાનમાં જોતા એક રૂમમાં સુમાભાઇ મેડા રૂમમાં નીચે બેભાન હાલતમાં પડેલા હતા અને તેમના માથાના ભાગે લોહી નીકળેલું જોવા મળ્યું હતું. જેથી મે કાંતાબેનને આ બનાવ બાબતે પુછતા તેણે જણાવ્યું કે, “મારા પતિને માનસિક તકલીફ હોવાથી તેમની સારવાર ચાલુ છે, ઘરેથી કહ્યા વગર અવાર નવાર નીકળી જાય છે. આજ સવારમાં જ્યારે હું ખેતરમાં ગઈ અને ખેતરથી પરત આવી ત્યારે મારા પતિને લીમડાના થડ સાથે બાંધેલી હાલતમાં જોયા. તેના શ્વાસ ચાલુ ન હતા જેથી તેને લીમડાના થડથી છોડીને રૂમમાં લઇ જઈ સુવડાવ્યા હતા.
આ બાબતે દીકરી કાજલને પુછતા તેણે જણાવ્યું હતું કે, પપ્પા ભાગમભાગ કરતા હતા અને ઝઘડો કરતા હતા અને ઘરેથી જતા રહેવાનું કહેતા હતા. જેથી મેં તથા ભાઈએ તેને લાકડીથી માર મારી અને દોરડાથી બાંધી રાખ્યા હતા. પિતાને કાબૂમાં કરવા માટે દીકરી કાજલ તથા સગીર દીકરાએ માર મારી દવાખાને લઈ જવાની જગ્યાએ લાકડીથી મારી તેને બાંધી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે 108ને જાણ કરતા 108 આવી અને તેમના EMTએ તપાસી સુમાભાઇને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
તેના પોસમોર્ટમ રિપોર્ટમાં કોઇ બોથડ પદાર્થથી માર મારવાના કારણે શરીર પર ઇજા થવાથી મોત થયાનું જણાવ્યું હતું. હાલ કુવાડવા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.