મૃત્યુ ક્યારે, કેવી રીતે, ક્યાં સમયે અને કઈ જગ્યાએ આવે છે એ ક્યારેય ખબર હોતી નથી, હનુમાન મઢી પાસે માતાના દશમાંની વિધિ કરતી વખતે પુત્રને હ્દયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થવાથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આલાપગ્રીન સીટી પાછળ શાંતિનિકેતન એવન્યુમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા અશ્વિનભાઈ
દિનેશભાઇ તન્ના (ઉ.વ.49)ના આજે સવારે પરિવાર સાથે હનુમાન મઢી પાસે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે માતા પુષ્પાબેનની દશમાંની વિધિ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગભરામણ થવા લાગી હતી અને ચક્કર આવતા ત્યાંજ ઢળી પડતા તાકીદે તેમને સિનર્જી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદ સર્જાયો હતો.
મૃત્યુ પામનાર અશ્વિનભાઈ બે ભાઈ એક બહેનમાં વચેટ હતા અને સંતાનમાં બે દીકરા એક દીકરી છે, અશ્વિનભાઈના માતા પુષ્પાબેન (ઉ.વ.75)નું બીમારી સબબ તા.3ના અવસાન પામતા આજે રૈયારોડ પર સોજીત્રા ટાંકા પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે ક્રિયા વિધિ કરતા હતા દરમિયાન હાર્ટ એટેક આવી ગયાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકી દ્વારા ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.