BREAKING NEWS

કપાતરે 85 વર્ષના સગા બાપને મોતને ઘાટ ઉતાર્યા... સામાન્ય બાબતમાં કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા, સૌરાષ્ટ્રનો બનાવ

  • April 09, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે માનવતા અને લોહીના સંબંધોને લજવતી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. અહીં માત્ર કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને આપેલો ઠપકો મોતનું કારણ બન્યો છે. પિતાના ઠપકાથી ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


ક્રોધમાં અંધ બની દીકરો કાળ બન્યો

ઘટનાની વિગત મુજબ, મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવોને કોઈ કામ-ધંધો કરવા માટે સમજાવ્યો હતો અને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ પુત્રને એટલી હદે માઠી લાગી હતી કે તેણે પિતા સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો. ક્રોધમાં અંધ થયેલા પ્રવીણે માનવીય સંવેદનાઓ નેવે મૂકીને ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો.


બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા ઘા ઝીંકી દીધા

આ હુમલો એટલો ભયાનક હતો કે પ્રવીણે વૃદ્ધ પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં જીવણભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ લોહિયાળ ખેલ બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતકના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી સોમાણીએ (ઉં.વ. 28) આ મામલે પોતાના જ સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ 

ઘટનાની જાણ થતા જ માળીયા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક મોટાભેલા ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી, હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પિતાના હત્યારા પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પિતા-પુત્રના પવિત્ર સંબંધો પર લાંછન લાગ્યું હોવાની લોકચર્ચાઓ જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application