BREAKING NEWS

મોરબીમાં ચોંકાવનારી હનીટ્રેપ: સ્પાની રૂપસુંદરીએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી રૂ. 19 લાખ ખંખેર્યા, જાણો કેવી રીતે જાળ બિછાવી

  • May 31, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરમાંથી હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ટંકારા પંથકના વતની અને હાલ મોરબીમાં રહીને અનાજ કરિયાણાનો વેપાર કરતા એક અપરિણિત વેપારી યુવકને સ્પામાં કામ કરતી હરિયાણાની યુવતીએ પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધો હતો. લગ્નની ખોટી લાલચ આપીને આ શાતિર મહિલાએ વેપારી પાસેથી રોકડા રૂપિયા, મોંઘા મોબાઈલ ફોન અને સોનાના દાગીના સહિત અંદાજે રૂ. ૧૯ લાખની મિલકત પડાવી લીધી હતી. આટલું જ નહીં, અંતે વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતાં સમગ્ર મામલો મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.


પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર કરિયાણાના વેપારીએ મોરબીની મહેશ હોટલ, શનાળા રોડ નજીક આવેલા 'ઓસમ સ્પા'માં કામ કરતી અને મૂળ હરિયાણાના ગુડગાવની વતની આરોપી પ્રિયા ઉર્ફે કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વેપારી આશરે બેથી અઢી વર્ષ પહેલાં આ સ્પામાં મસાજ કરાવવા માટે જતો હતો, જ્યાં તેનો પરિચય કાજલકુમારી સાથે થયો હતો. ધીમે-ધીમે આ સામાન્ય મુલાકાત મિત્રતામાં બદલાઈ હતી અને ત્યાર બાદ બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. વેપારી પોતે અપરિણિત હોવાથી તેણે કાજલકુમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.


છૂટાછેડાની ખોટી વાર્તા અને લાખોની લૂંટ

શાતિર કાજલકુમારી પોતે પરિણિત હોવા છતાં, તેણે વેપારીને વિશ્વાસમાં લેવા માટે એક વાર્તા ઘડી કાઢી હતી. તેણે વેપારીને જણાવ્યું હતું કે, તે તેના પતિ સાથે ટૂંક સમયમાં જ છૂટાછેડા (ડિવોર્સ) લઈ લેશે અને ત્યાર બાદ તેની સાથે ધામધૂમથી લગ્ન કરી લેશે. આ દરમિયાન તેણે પોતાના વતનમાં નવું મકાન બનાવવાના બહાને વેપારી પાસે આર્થિક મદદ માંગી હતી. પ્રેમમાં અંધ બનેલા વેપારીએ શરૂઆતમાં રૂ. ૧ લાખ રોકડા આપ્યા હતા. ત્યાર બાદ યુવતીએ વારંવાર નાણાંની માંગણી ચાલુ રાખીને અત્યાર સુધીમાં બેંક ટ્રાન્સફર અને રોકડ સ્વરૂપે કુલ ૧૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત, વેપારીએ તેને આઈફોન, સેમસંગ કંપનીના મોંઘા મોબાઈલ, સોનાની ચેઈન, વીંટી અને કાનની બુટ્ટી જેવા કિંમતી દાગીના પણ ખરીદી આપ્યા હતા.


વાંધાજનક ફોટા અને દિલ્હીમાં બ્લેકમેલિંગ

થોડા સમય બાદ, રૂપસુંદરીએ લગ્નની વાત આગળ વધારવાના બહાને વેપારીને દિલ્હી બોલાવ્યો હતો. જો કે, ત્યાં પહોંચ્યા બાદ તેના પરિવારને આ સંબંધની ખબર નથી તેમ કહીને વેપારીને પરત રવાના કરી દીધો હતો. આ દરમિયાન કાજલકુમારી મોરબીનું સ્પા છોડીને ગાયબ થઈ ગઈ હતી અને વેપારી સાથે નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા હતા. વેપારીને છેતરાયાનો અહેસાસ થતાં જ્યારે તેણે પોતાના પૈસા, ફોન અને દાગીના પરત માંગ્યા, ત્યારે કાજલકુમારીએ અસલી રંગ બતાવ્યો હતો. તેણે વેપારીના કેટલાક વાંધાજનક ફોટા પોતાની પાસે હોવાનું કહી દિલ્હી પોલીસમાં ખોટી અરજી કરી દીધી અને વેપારીને દુષ્કર્મના કેસમાં જેલભેગો કરવાની ધમકી આપી હતી.


પિતા-પુત્રને 'ડિજિટલ એરેસ્ટ' કરવાનો કારસો

આ મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, કાજલકુમારીએ માત્ર બળાત્કારની ધમકી જ નહોતી આપી, પરંતુ વેપારીને સંપૂર્ણપણે માનસિક રીતે તોડી પાડવા માટે સાયબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસમાં અરજી કર્યા બાદ, તેણે કોઈ અજાણ્યા સાગરીત મારફતે વેપારી યુવક અને તેના પિતાના મોબાઈલ ફોન પર કોલ કરાવ્યા હતા. ફોન કરનારે પોતે 'સાયબર ક્રાઈમ' અને 'નાર્કોટિક્સ બ્રાન્ચ'ના અધિકારી બોલે છે તેવી ખોટી ઓળખ આપીને પિતા-પુત્રને ડરાવી, રૂમમાં બંધ થઈ જવા કહીને 'ડિજિટલ એરેસ્ટ' કરવાનો ગંભીર પ્રયાસ પણ કર્યો હતો.

આખરે આ સતત બ્લેકમેલિંગ અને ધમકીઓથી કંટાળીને વેપારીએ હિંમત ભેગી કરી મોરબી એ-ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે હાલ કાજલકુમારી વિરુદ્ધ ગુનો નોંધીને હનીટ્રેપ, ખંડણી, છેતરપિંડી અને સાયબર ક્રાઈમના વિવિધ પાસાઓ પર આગળની તપાસ તેજ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application