શનિવારે (14 નવેમ્બર) સ્પેસએક્સનું સ્ટારશિપ અવકાશયાન તેની અત્યાર સુધીની સૌથી લાંબી ઓર્બિટલ ફ્લાઇટ પૂર્ણ કરીને ટેક્સાસ સ્થિત લોન્ચ ટાવર પર સફળતાપૂર્વક પાછું ફર્યું છે. કંપની દ્વારા સંપૂર્ણપણે પુનઃઉપયોગ કરી શકાય તેવા રોકેટને વિકસાવવાના એક દાયકાના લાંબા પ્રયાસોમાં આ રોકેટ સિસ્ટમના મુખ્ય જહાજની પ્રથમ મહત્ત્વપૂર્ણ રિકવરી છે. આ સીમાચિહ્નરૂપ સફળતાથી સ્પેસએક્સના ભવિષ્યના મિશન માટે નવા દરવાજા ખૂલ્યા છે.
આ વિશાળ ટુ-સ્ટેજ રોકેટના સુપર હેવી બૂસ્ટરે શુક્રવારે ટેક્સાસના સ્ટારબેઝથી ઉડાન ભરી હતી અને સ્ટારશિપને અંતરીક્ષમાં પહોંચાડ્યું હતું. જોકે, તે બૂસ્ટર ઉડાણ ભર્યાની આશરે 10 મિનિટ પછી લોન્ચ પેડ પર સુરક્ષિત રીતે પાછું ફરવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે સ્પેસએક્સની બંને ભાગોને એકસાથે રિકવર કરવાની યોજના અધૂરી રહી હતી. પરંતુ સ્ટારશિપના ઉપરના તબક્કે પૃથ્વીની આસપાસ 14 વખત પ્રદક્ષિણા કરીને 22 કલાકથી વધુ સમય વીતાવ્યા બાદ સફળ વાપસી કરી હતી. અબજોપતિ એલન મસ્ક આ પ્રોજેક્ટને સ્પેસએક્સના સેટેલાઇટ બિઝનેસ અને મનુષ્યોને ચંદ્ર અને મંગળ પર મોકલવાની મહત્વાકાંક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે.
શુક્રવારે રાત્રે આશરે 260 કિલોમીટરની ઊંચાઈએ ક્રૂઝિંગ કરતી વખતે 26 સ્ટારલિંક સેટેલાઇટ તૈનાત કર્યા બાદ, સ્ટારશિપે શનિવારે વાતાવરણમાં પુનઃપ્રવેશ કરવા માટે તેના એન્જિનનો ઉપયોગ કર્યો હતો. દક્ષિણ ટેક્સાસના ગલ્ફ કોસ્ટ પર આવેલા સ્પેસએક્સના સ્ટારબેઝ સુવિધા ઉપરના આકાશમાં આ અવકાશયાન તેની આશરે 17000 માઇલ પ્રતિ કલાકની પ્રચંડ ગતિથી સુપરસોનિક ફ્રી-ફોલ તરફ આગળ વધ્યું હતું. આ દરમિયાન તેને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ અવકાશયાનના એન્જિનો ફરીથી પ્રજ્વલિત થયા અને તેણે પોતાની જાતને વર્ટિકલ પોઝિશનમાં લાવીને લોન્ચ ટાવર તરફ દિશામાન કર્યું. જહાજ હવામાં અડગ ઊભું રહ્યું ત્યારે લોન્ચ ટાવરના બે યાંત્રિક આર્મ્સે તેને મજબૂતાઈથી પકડી લીધું હતું. સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટથી વૈશ્વિક સ્તરે પ્રભુત્વ ધરાવે છે, પરંતુ તેનું બીજું ચરણ દરિયામાં ફેંકી દેવામાં આવે છે. મસ્કની ઈચ્છા સ્ટારશિપ દ્વારા એવી રોકેટ સિસ્ટમ બનાવવાની છે જે કોમર્શિયલ વિમાનોની જેમ અવકાશમાં જઈને પાછી આવી શકે.
શનિવારની આ સફળતા એક મોટો માઈલસ્ટોન છે, જોકે સ્પેસએક્સે હજુ પણ એક જ મિશનમાં બંને ચરણોને સુરક્ષિત રીતે પાછા લાવવાના બાકી છે. હીટ-શીલ્ડ અને ટાઇલ્સને વધુ મજબૂત બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. આગામી સમયમાં આ ટેક્નોલોજી અવકાશ સંશોધનમાં ક્રાંતિ લાવશે.