BREAKING NEWS

જામનગર : લાલપુર રોડ ઉપર રૂ.૬ કરોડના ખર્ચે ત્રીજુ સ્મશાન બનાવવા સ્ટેન્ડીંગની સૈઘ્ધાંતિક મંજુરી

  • January 28, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે માંગ ઉઠી હતી, બજેટમાં પણ પદાધિકારીઓએ સ્મશાન બનાવવા માટેની જોરશોરથી વાતો કરી હતી, હવે શહેરના ભાગોળે જામનગર-લાલપુર રોડ પર ચેલાના સર્વે નં.૭૨૪ની જગ્યામાં હિન્દુ સ્મશાન બનાવવાના પ્રોજેકટને ગઇકાલે સ્ટેન્ડીંગ કમીટીએ સૈઘ્ધાંતિક મંજુરી આપી છે અને રૂ.૬ કરોડનો ખર્ચ પણ મંજુર કરી દીધો છે.


 શહેરના સમર્પણ હોસ્પિટલ, મહાકાળી સર્કલ, નંદ નીકેતન સ્કુલ થઇને બેડીબંદર જંકશન સુધીના રીંગરોડને ગ્રીન રોડ મુજબ ડેવલપ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેનો ખર્ચ રૂ.૨૦.૭૬ કરોડ આકારવામાં આવ્યો છે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક કામોને ધડાધડ મંજુરી આપી દેવામાં આવી છે અને સ્ટે.કમીટી પણ લગભગ અઠવાડીયે-અઠવાડીયે મળવા લાગી છે. બીજી તરફ સોલીડ વેસ્ટ શાખા માટે ૫૦૦ ટવીનબીન્સ ખરીદવાની દરખાસ્ત હાલ પેન્ડીંગ રાખવામાં આવી છે. 


સ્ટે.કમીટીની એક બેઠક ગઇકાલે ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, આસી.કમિશ્નર મુકેશ વરણવા અને જીગ્નેશ નિર્મલ સહિત ૧૦ સભ્યો હાજર રહ્યા હતાં. આ કમીટીમાં ખાસ કરીને જામનગરમાં ચેલા નજીક સ્મશાન બનાવવાના નિર્ણયને ચૂંટણી પહેલા જ સૈઘ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે અને વર્ષોથી જેની માંગ છે તેવા સમર્પણથી બેડી જંકશન સુધી રીંગરોડને ડેવલપ કરવા પણ રૂ.૨૦.૭૬ કરોડ ફાળવી દેવામાં આવ્યા છે. 


આ બેઠકમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે વોર્ડ નં.૪માં નવાગામ મધુરમ રેસીડેન્સીના છેડે નદીકાંઠાના રોડમાં સીસીરોડના કામ અંગે રૂ.૨૬.૮૩ લાખ, સિવીલ શાખા સાઉથ ઝોનમાં વોર્ડ નં.૮, ૧૫ અને ૧૬માં વોટર વર્કસ શાખા દ્વારા સીસી પેચવર્ક બનાવવા માટે રૂ.૨૬.૫૭ લાખ, વોર્ડ નં.૧૧માં લાલવાડી વિસ્તારમાં જૈન દેરાસરવાળા રસ્તાને ૧૫ મીટર પહોળાઇ, આઇસીઆઇસીઆઇ બેંકથી મહાપ્રભુજી બેઠક જતાં રસ્તાને રૂ.૫૧.૩૬ લાખના ખર્ચે સીસી રોડ બનાવવા નિર્ણય કરાયો છે જયારે વિદ્યોતેજક મંડળને ગ્રાન્ટ ફાળવવા રૂ.૮ લાખ મંજુર કરાયા હતાં.


જામનગર મહાપાલીકાના ભાગ નં.૧, ૨, ૪ પાવનલાઇન સેલ્સ એન્ડ સર્વિસ તથા ભાગ નં.૩ ઓમ સ્વચ્છતા કોર્પોરેશનમાંથી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી અને ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેકશનના રૂ.૧.૬૨ કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં. લીકવીડ કલોરીન ટર્નરની ખરીદી માટે રૂ.૨.૮૬ લાખ અને હાઇકોર્ટના હુકમ અન્વયે પૂર્વ કર્મચારી કીરીટ પટેલને રૂબરૂ સાંભળવા નિર્ણય કરાયો હતો, આમ સ્ટે.કમિટીએ રૂ.૨૯ કરોડ ૫૪ લાખ મંજુર કર્યા હતાં. 


ચૂંટણી પહેલા જ સ્ટે.કમીટી એકાએક જાગૃત કેમ બની ? કરોડોના વિકાસ કામો ધડાધડ મંજુર

જામનગર મહાપાલીકાની ચૂંટણીને હવે થોડા દિવસની વાર છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્ટે.કમીટી બેને બદલે ત્રણથી ચાર વખત મળવા લાગી છે, ગઇકાલની મીટીંગમાં પણ રૂ.૨૯.૫૪ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે, બે મહીનામાં કરોડો રૂપિયાના કામો ઉપર મંજુરીની મહોર મારી દેવાઇ છે. વોર્ડ નં.૧૬માં તો અગાઉ કરોડો રૂપિયાના વિકાસ કામોને ધડાધડ મંજુરી અપાયા બાદ વિવાદ પણ થયો હતો, ત્યારે ચૂંટણી પહેલા કેટલાક નગરસેવકો પણ પોતાના વિસ્તારના કામો મંજુર કરાવવા બેબાંકડા થયા છે ત્યારે સ્ટે.કમીટી અચાનક કેમ જાગૃત થઇ ? તેવા સવાલો પણ શરૂ થઇ ગયા છે અને નગરસેવકો પણ અંદરોઅંદર વધુને વધુ કામો મંજુર કરાવવા મથામણ કરી રહ્યા છે. ​​​​​​​

૫૦૦ ટવીન્સ બિન્સ ખરીદીની દરખાસ્ત શા માટે પેન્ડીંગ ?

જામનગરમાં અગાઉ કેટલાક વિસ્તારોમાં ટવીન્સ બિન્સ મુકવામાં આવ્યા હતાં જેમાં ખરીદીમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો છે અને કેટલાક સ્થળોએ તો બિન્સ દેખાતા પણ નથી, આ અંગે મસમોટા ખર્ચા કરાય છે ત્યારે ફરીવખત ૫૦૦ ટવીન બિન્સ ખરીદવાની દરખાસ્ત સ્ટે.કમીટીમાં લાવવામાં આવી હતી જેને હાલ પુરતી પેન્ડીંગ રાખવામાં આવી છે, ખરી રીતે બિન્સ ખરીદીની અગાઉની તપાસ શરૂ થાય તો કેટલાક ભોપાળા બહાર આવે તેવી શકયતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application