ગુજરાતમાં કરચોરો અને બિનહિસાબી કિંમતી ધાતુઓની હેરાફેરી કરનારાઓ સામે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સ્ટેટ GST) વિભાગે લાલ આંખ કરી છે. સ્ટેટ જીએસટીની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને અમદાવાદથી રાજકોટ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસમાંથી આશરે ૧૦૦ કિલો ચાંદીના શંકાસ્પદ જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે. કાયદાકીય દસ્તાવેજો વગર ટ્રાવેલ્સની બસમાં આટલી મોટી માત્રામાં કિંમતી ધાતુની હેરાફેરી પકડાતા જ સમગ્ર રાજ્યના સરાફા બજાર અને કુરિયર આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જીએસટીના ઉચ્ચ અધિકારીઓ હાલ આ મામલે પકડાયેલા શખ્સની આકરી પૂછપરછ કરી રહ્યા છે.
આ દરોડાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ અને આસપાસના ખાનગી ટ્રાવેલ્સના પિક-અપ પોઇન્ટ પરથી રાજકોટ તરફ જઈ રહેલી એક લક્ઝરી બસમાં આ કિંમતી જથ્થો પરિવહન થઈ રહ્યો હતો. જીએસટી વિભાગે વોચ ગોઠવીને બસને આંતરી હતી અને તેમાંથી મુસાફરી કરી રહેલા એક શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેના સામાનમાંથી શુદ્ધ ચાંદીનો આશરે ૧૦૦ કિલો જેટલો જંગી જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં અધિકારીઓને ચોંકાવનારી વિગત જાણવા મળી છે કે, આ પકડાયેલા કુલ જથ્થામાંથી ૮૦ ટકા જેટલા માલનું કોઈ પણ જાતનું પાકું બિલ, ઈ-વે બિલ કે અન્ય કાયદેસરના આધાર-પુરાવા હાજર નહોતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી રકમના માલ પર હજુ સુધી કોઈ વેપારીએ પોતાનો દાવો પણ કર્યો નથી.
આ ચકચારી ઘટના સામે આવ્યા બાદ એજન્સીઓ વચ્ચે પણ સંકલન શરૂ થઈ ગયું છે. સવારે જ રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી પકડાયેલા સોના-ચાંદીના બિનહિસાબી 400 કિલો ચાંદીના જથ્થા સાથે આ લક્ઝરી બસમાંથી પકડાયેલા ૧૦૦ કિલો ચાંદીના કનેક્શનની આશંકા સેવાઈ રહી છે. શું આ માલ પણ કોઈ મોટા આંતરરાજ્ય રેકેટનો ભાગ છે કે કેમ, તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટેટ GSTએ આ આખો શંકાસ્પદ જથ્થો ડિટેઈન (કબજે) કરી લીધો છે અને પકડાયેલા શખ્સના મોબાઈલ કોલ ડિટેઈલ્સના આધારે અમદાવાદ અને રાજકોટના કયા વેપારીઓ આ કાળા કારોબારમાં સંડોવાયેલા છે તેની કડીઓ મેળવવામાં આવી રહી છે.
આ મોટા દરોડાના પ્રત્યાઘાતો રાજકોટના સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલી અને ચાંદીના ઘરણાંના ઉત્પાદન માટે જાણીતી મુખ્ય ચાંદી બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જીએસટી વિભાગની ટીમોએ હવે સીધું જ બજારમાં ઝંપલાવ્યું છે અને શંકાના દાયરામાં આવતા કેટલાક અગ્રણી વેપારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. દુકાનો અને પેઢીઓના કાચા-પાકા ચોપડા તેમજ જૂના બિલોની ચકાસણી માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. બજારના સૂત્રોનું માનીએ તો, આ આખી તપાસના અંતે કરોડો રૂપિયાની કરચોરી અને બેનામી ટ્રાન્ઝેક્શનનો મોટો આંકડો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.