BREAKING NEWS

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બુધવારે રાજકોટમાં: ભાજપમાં અનેરો ઉન્માદ

  • October 13, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શનિવારે અંબાજી મંદિરે શીશ જુકાવી ગુજરાત ભ્રમણની શરૂઆત કરી છે, ત્યારે આગામી તા.15 બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટના પ્રવાસે હોવાથી શહેર-જિલ્લા ભાજપ અને મોરબી જિલ્લા ભાજપની ટીમ તેમને આવકારવા માટે તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. રાજકોટના રેસકોર્સ ખાતે ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહનું આયોજન રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લા ભાજપની ટિમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

આયોજન અને તૈયારીઓને લઈને શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ "આજકાલ" સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના પ્રથમ સન્માન સમારોહમાં કોઈ કચાશ ન રહે તે માટે વોર્ડ અને બુથ સુધીના કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. તેમજ આગેવાનો-હોદેદારોને જવાબદારીઓ સોંપી દેવાં આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ સહિતનાની મીટીંગો યોજાઈ રહી છે, જેમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે.

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા જ ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી યુવા મોરચાની ટીમ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી લાવવામાં આવશે. રસ્તામા વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, એનજીઓ સ્વાગત સન્માન કરી આવકારશે.

રેસકોર્સ ખાતે દેશભક્તિ ગીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ રાજકોટ શહેર-જિલ્લા, મોરબી જિલ્લાના સંગઠનના હોદેદારો દ્વારા પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સંતો-મહંતો પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે. વધુમાં ઉમર્યું હતું કે, વિવિધ સમાજના લોકો, એનજીઓ, સંસ્થાઓના હોદેદારો દ્વારા પણ નવાજવામાં આવશે. આ માટે પણ એક બેઠક યોજવામાં આવી હતી.

આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા,શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ,ડૉ. દર્શિતાબેન શાહ,મેયર નયનાબેન પેઢડીયા,શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા,પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, પ્રદેશ કારોબારી સભ્ય જીતુભાઈ મહેતા તેમજ આપાગીગા ઓટલાના નરેન્દ્રબાપુ સોલંકી, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન લાભભાઈ ખીમાણીયા, સહિત એનજીઓ, સંસ્થાઓના હોદ્દેદારો,રાજકોટ શહેર ભાજપના શહેર હોદ્દેદારો, મોરચાના પ્રમુખ, મહામંત્રી, વિવિધ સેલના સંયોજક, સહસંયોજક, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ શહેરના વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ તકે ઉપસ્થિત સર્વે એનજીઓ, સંસ્થા, સમાજના આગેવનોએ એક સૂરે જણાવ્યું હતું કે,અમારી સંસ્થા તથા સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને તેની વિચારધારા સાથે પેઢી દર પેઢીથી જોડાયેલો છે અને હંમેશા જોડાયેલો રહેશે. ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા જયારે રાજકોટના આંગણે સર્વપ્રથમ વખત પધારી રહયા છે ત્યારે તેમનું સ્વાગત અને અભિવાદન સમગ્ર ગુજરાતમાં કયારેય ન થયું હોય તેવું ન ભુતો ન ભવિષ્યય તે ભવ્ય અને જાજરમાન રીતે કરવામાં આવશે અને અમો સૌ બહોળી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ અને ઉત્સાહ અને ઉમળકાભેર આવકાર આપીશું. આ કાર્યક્રમ માટે સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારવાઈઝ વિવિધ આગેવાનોની કમીટી બનાવી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકનું સંકલન પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કિરીટભાઈ પાઠક, પુજાબેન પટેલ, શૈલેષભાઈ જાની, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડએ કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News