BREAKING NEWS

જંગલેશ્વર મેગા ડિમોલિશનથી શું ફાયદો? જાણો રાજકોટના ઈતિહાસના સૌથી મોટો બુલડોઝર ઓપરેશનની આંકડાકીય માહિતી

  • February 25, 2026 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના ઇતિહાસનું સૌથી મોટું એવું જંગલેશ્વરનું મેગા ડિમોલિશન પૂર્ણ થતાં આજે મહાપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બપોરે ૧૨ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજીને સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે કુલ રૂ.૩૫૦ કરોડની બજાર કિંમતની ૮૮૭૫૦ ચોરસ મીટર જમીન ઉપરથી મુખ્યત્વે રહેણાંક મકાનો અને ઓરડીઓ સહિતના કુલ ૧૪૮૯ દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કમિશનર સુમેરાએ ઉમેર્યું હતું કે, ટીપી રોડ ખુલતા જંગલેશ્વર હવે શહેરના મુખ્ય રોડ નેટવર્ક સાથે કનેક્ટ થયું છે, બાપુનગરથી સીધું જ નાડોદા નગર નિકળી શકાશે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સહિતની ઇમરજન્સી સેવાઓના વાહનો વિસ્તારમાં પ્રવેશી શકશે તેમજ ચોમાસામાં આજી નદી કાંઠે પૂર રાહત કામગીરી સરળ બનશે.​​​​​​​


સૌથી મોટો બુલડોઝર ઓપરેશનની આંકડાકીય માહિતી

- ૮૮,૭૫૦ ચો.મી.જમીન દબાણમુક્ત

-ટી.પી.રોડ નું ક્ષેત્રફળ ૩૩૭૫૦ ચો.મી.

-આજી નદી પટ વિસ્તાર ક્ષેત્રફળ ૫૫૦૦૦ ચો.મી.

-દબાણ દુર કરેલ કુલ ક્ષેત્રફળ ૮૮૭૫૦ ચો.મી.

-ટી.પી.રોડના દબાણો સંખ્યા-૪૯૭

-નદી કાંઠાના દબાણો સંખ્યા- ૯૯૨

-ટોટલ દબાણોની સંખ્યા- ૧૪૮૯

-દબાણમુક્ત જમીનની બજાર કિંમત ૩૫૦ કરોડ

અભૂતપૂર્વ મેગા ડિમોલિશન

-મેન પાવર સંખ્યા- ૧૫૧૨

-મશીનરી સંખ્યા- ૨૬૧

-માનવ કલાકો- ૩૩,૨૬૪ કલાકો

-મશીનરી કલાકો- ૫૭૪૨ કલાકો

-પોલીસ બંદોબસ્ત- ૨૨૦૦થી વધુ

જંગલેશ્વર મેગા ડિમોલિશનથી શું ફાયદો ?

-ચોમાસા દરમ્યાન પુર નિયંત્રણ સરળ થશે -એમ્બ્યુલન્સ, ફાયર સેવાઓ અને પોલીસ વાહનો સરળતાથી અવર જવર થઇ શકશે.

- જંગલેશ્વર નજીક આજીનદી અને ખોખડદડી નદી તેમ બંને નદીઓનું સંગમ સ્થાન હોય, ચોમાસામાં ભારે વરસાદ અને આજી ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં પૂર રાહત કાર્ય સરળ બનશે

- ચોમાસામાં અનેક વખત રેસ્ક્યુ ટીમ પણ પૂરમાં ફસાઈ જતી, ગત વર્ષે રેસ્ક્યુ ટીમને બચાવવા એન.ડી.આર.એફ.ની ટીમ મોકલવી પડી હતી.


હિસ્ટ્રીશીટર્સ, વ્યાજખોરોના મકાનો તોડતા હવે ગુન્હાખોરી ઘટશે: ડીસીપી હેતલ પટેલ

રાજકોટ મહાપાલિકામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજકોટ ડીસીપી ઝોન ૨ હેતલ પટેલ (આઇપીએસ)એ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન થતા દારૂ, જુગાર, વ્યાજખોરી જેવા અનેક ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર્સ તેમજ ઓરડીઓ ભાડે આપવાનો ધંધો કરનારાઓ તેમજ વ્યાજખોરોના મકાનો પણ તૂટ્યા છે જેથી ગુન્હાખોરી ઘટશે તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના જંગલેશ્વર તેમજ આજી નદી કાંઠા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સારી અને સઘન રીતે થઇ શકશે. ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટએ ભારે તકેદારી લીધી હતી અને શહેર પોલીસ તેમજ એસઆરપી જવાનોએ દિવસ રાત જોયા વિના ફરજ બજાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News