BREAKING NEWS

લગ્નપ્રસંગ રણસંગ્રામમાં ફેરવાયો, અમદાવાદમાં લગ્નમાં ડીજે ધીમું વગાડવા મુદ્દે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ

  • February 21, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે લગ્નની ખુશીનો માહોલ પળભરમાં રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. મોડી રાત્રે ડીજે ધીમું વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પથ્થરમારો અને વાહનોમાં તોડફોડની ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં સાત શખ્સોને ઝડપી પાડ્યા છે.


મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે 11:30 વાગ્યાની આસપાસ વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં એક યુવતીના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હોવાથી આસપાસના કેટલાક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને ગીતો ધીમા વગાડવા અથવા બંધ કરવા બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.


મામલો ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી શરૂ કરી અને પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક અસામાજિક તત્વો તલવારો જેવા ઘાતક હથિયારો સાથે પણ ધસી આવ્યા હતા અને સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાની જાણ થતાં જ શહેરકોટડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


આ હિંસક ઘટનાના પડઘા આજે બીજા દિવસે પણ જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા બંને પક્ષો સામે ફરિયાદ નોંધી સાત આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જોકે, પોલીસની આ કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા ભોગ બનનાર પરિવારના સભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આજે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ધરણાં પર બેસી ગયા હતા.


ખાસ કરીને મહિલાઓએ હાથમાં 'પોલીસ હાય હાય' ના બેનરો સાથે પોલીસની નિષ્ક્રિયતા અને પક્ષપાતી કાર્યવાહીનો આક્ષેપ કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓની માંગ છે કે હુમલો કરનારા તમામ મુખ્ય સૂત્રધારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. હાલ સરસપુર વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તોફાની તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. લગ્ન જેવા પવિત્ર પ્રસંગે થયેલી આ હિંસાને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News