BREAKING NEWS

કુખ્યાત ઉમંગ પટેલે ફરી લખણ ઝળકાવ્યા: ઘર પર પથ્થરમારો કરી મહિલાને છરી ઝીંકી

  • December 30, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મારામારી, એનડીપીએસ, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત ઉમંગ પટેલ(ભૂત)એ ફરી લખણ ઝળકાવ્યા છે. ઉમંગ ભુત અને તેની સાથેના શખસે ભગતસિંહ ગાર્ડન પાસે ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા પરિવારના ઘરે રાત્રીના કાળા કલરની એન્ડઓવર ગાડીમાં ઘસી જઇ અહીં ગાળાગાળી કરી હતી. બાદમાં દરવાજો ન ખોલતા દરવાજામાં છરીના ઘા માર્યા હતા અને મચ્છર જાળી તોડી નાખી ઘર પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં યુવાનને મારવા જતા તેની પત્ની વચ્ચે આવતા તેને છરીથી છરકો થઈ ગયો હતો. અગાઉ થયેલી માથાકૂટમાં સમાધાન કરાવી આપવાનું કહી આ હુમલો કર્યો હતો. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભગતસિંહ ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નંબર 42 માં રહેતા નિશાબેન ડેનિશભાઈ દેસાણી (ઉ.વ. 26) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ભગતસિંહ ગાર્ડન પાસે નકળંગ હોટલ સામે રહેતા ઉમંગ પટેલ અને રાજેશ પટેલના નામ આપ્યા છે. મહિલાના પતિ ડેનિશભાઈ ડીશ કનેક્શનનું કામ કરે છે.


મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના પોણા ત્રણેક વાગ્યા આસપાસ તે તથા તેના પરિવારજનો સુતા હતા ત્યારે ઘરની બહાર કાળા કલરની એન્ડઓવર ગાડી નંબર પ્લેટ વગરની જેમાં આગળ પ્રેસનું બોર્ડ લગાવેલું હતું તે અહીં આવી હતી અને તેમાંથી બે શખસો ઉતરી ફરિયાદીના પતિને ગાળો દેતા હતા ગાડીમાં ઉમંગ પટેલ અને જય પટેલ હતાં. તે ફરિયાદીના પતિને કહેતા હતા કે, તું અમારા તથા જયેશભાઈ વચ્ચે સમાધાન કરાવી આપ ફરિયાદીના પતિ જયેશભાઈના મિત્ર હોય અને આ બંનેને તેની સાથે માથાકૂટ થઈ હોય જેમાં સમાધાન માટે કહેતા હતા. જેથી ફરિયાદીના પરિવારએ દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં ઉમંગ અને રાજેશે ઉશ્કેરાઇ દરવાજો જોર જોરથી ખખડાવવા લાગ્યા હતા તેમજ રાજેશે પોતાની પાસે રહેલી છરી કાઢી દરવાજામાં ઘા મારવા લાગ્યો હતો અને બારીમાં લગાવેલી મચ્છરની જાળી ફરીથી તોડી નાખી હતી તેમજ ઇંટના ઘા દરવાજા પર કરવા લાગ્યો હતો બાદમાં બંને અહીંથી જતા રહ્યા હતા.


એકાદ કલાક પછી ફરીવાર આ બંને અહીં આવ્યા હતા. આ સમયે ફરિયાદીના પતિ ઘરની બહાર હોય તેને મારવા જતા ફરિયાદી વચ્ચે પડતા તેમને અંગૂઠામાં છરીથી છરકો થઈ ગયો હતો અને લોહી નીકળવા લાગ્યું હતું.બાદમાં આ શખસોએ ગાળો આપી ફરિયાદીના પતિ દિનેશભાઈને કહ્યું હતું કે, જો તું સમાધાન નહીં કરાવી આપે તો તને જાનથી મારી નાખીશું. બાદમાં પોલીસને બોલાવી હતી. ત્યારબાદ મહિલાને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application