નાગરિકો ફરિયાદ કરે કે કૂતરા પાછળ દોડી કરડે છે તો જવાબ મળે કે અમે જપ્ત ન કરી શકીએ, કુતરુ કરડ્યા બાદ લીધેલી સારવારના કાગળો બતાવો તો કુતરુ જપ્ત કરવા આવીએ ! મહાપાલિકા તંત્રના નફ્ફટ જવાબો
રાજકોટમાં આજથી વીસેક વર્ષ પૂર્વે ભૂંડનો અસહ્ય ત્રાસ હતો અને મહાપાલિકા તંત્ર ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ આપતું હતું ક્રમશ: ગંદકી દૂર થઇ તેમ ભૂંડ પણ દૂર થતા ગયા અને હવે શહેરમાં ક્યાંય જોવા મળતા નથી. ત્યારબાદ ગત વર્ષ સુધી રખડું ઢોરનો ત્રાસ હતો પરંતુ હાઇકોર્ટએ કડક વલણ દાખવી જારી કરેલા આદેશ અને તેના અનુસંધાને રાજ્ય સરકારે કરેલા આદેશ બાદ મહાપાલિકા તંત્રને કામ કરવા ફરજ પડી જેના પરિણામે હવે રખડું ઢોર પણ લગભગ અદ્રશ્ય થયા છે, પરંતુ શહેરના રાજમાર્ગોથી લઇને રહેણાંક સોસાયટીઓ સુધી રખડું ડાઘીયા મતલબ કે શેરી શ્વાનોનો ભયંકર ત્રાસ યથાવત રહ્યો છે, અનેક ફરિયાદો છે છતાં રાજકોટ મહાપાલિકાએ રખડું કૂતરા જપ્ત કરવાનું કામ બંધ કરતા રાજકોટવાસીઓમાં દેકારો બોલી ગયો છે.
તાજેતરમાં શિયાળાની ઋતુના પ્રારંભે રખડું ડાઘીયા કૂતરાઓએ સમગ્ર શહેરમાં આતંક મચાવ્યો છે ત્યારે નાગરિકો આ અંગે રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (એ.એન.સી.ડી.)માં કૂતરા પાછળ દોડતા હોવાની તેમજ કરડતા હોવાની ફરિયાદો કરે તો ત્યાંના જવાબદાર અધિકારીઓ તરફથી એવા જવાબો મળે છે કે અમે કૂતરા પકડી શકીએ નહીં....અમે કૂતરા જપ્ત કરી શકીએ નહીં !! આ ઉપરાંત તાજેતરમાં તો એક ફરિયાદી નાગરિક સાથેની વાતચીતમાં અધિકારીએ એવો બેજવાબદાર જવાબ આપ્યો હતો કે તમને કુતરુ કરડ્યું છે અને તમે તેની સારવાર લીધી છે તેના કેસ પેપર્સ અમને બતાવો તો અમે તમારી સોસાયટીમાંથી કુતરુ જપ્ત કરવા આવશું ! આવો જવાબ સાંભળીને નાગરિક દંગ રહી ગયા હતા. એએનસીડી સ્ટાફે તો ત્યાં સુધી કહ્યું હતું કે એ તો ઋતુ બદલે ત્યારે થોડો સમય કૂતરા મિજાજ ગુમાવે પછી બધું યોગ્ય થઇ જાય !! જ્યારે અચાનક ઠંડી વધે, અતિશય ગરમી પડે કે વરસાદ વરસે ત્યારે શેરી શ્વાનો આબોહવા સાથે અનુકૂલન ન સાધી શકે ત્યાં સુધી ભસે, પાછળ દોડે, કરડવા પ્રયાસ કરે તેવું થતું હોય છે આવા જવાબો ફરિયાદી નાગરિકને આપવામાં આવ્યા હતા. સમસ્યા કે ફરિયાદ ઉકેલવાને બદલે જ્ઞાન બાંટતો સ્ટાફ પોતે તો કૂતરા પકડવાની કામગીરી માટે જતો નથી પરંતુ જે કોન્ટ્રાક્ટર એજન્સી પાસે આ કામગીરી કરાવવાની છે તેની પાસેથી કામ લેવામાં પણ નિષ્ફળ રહ્યો છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કરેલા કડક આદેશ બાદ પણ રાજકોટ મહાપાલિકામાં ફ્ક્ત કાગળ ઉપર કામગીરી થઇ રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ રખડું કૂતરા જપ્ત કરવા, હડકવા વિરોધી રસીકરણ કરવા, ખસીકરણ કરવા સહિતની બાબતે હકીકતમાં જમીન ઉપર અને કાગળ ઉપર શું કામગીરી થઇ રહી છે તેની વિશાળ જનહિતમાં સમીક્ષા કરી જનહિતમાં જરૂરી આદેશો જારી કરે તેવી પ્રબળ લોકમાંગ ૨૫ લાખ રાજકોટવાસીઓમાંથી ઉઠવા પામી છે.
શું તમારા વિસ્તારમાં રખડું કૂતરાનો ત્રાસ છે... ? તો કરો અહીં ફરિયાદ
રાજકોટ મહાપાલિકા એક કુતરુ પકડવા માટે કોન્ટ્રાકટર એજન્સીને હાલ રૂ.૨૫૦૦ની કિંમત ચૂકવે છે તેમ છતાં શહેરમાં રખડું કૂતરાનો અસહ્ય ત્રાસ દૂર થયો નથી. જો તમારા વિસ્તારમાં રખડું કૂતરાનો અસહ્ય ત્રાસ હોય તો તેના માટે રાજકોટ મહાપાલિકાના કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર અને આરએમસી ઓન વ્હોટ્સ એપ સેવાના નંબર ૯૫૧૨૩ ૦૧૯૭૩ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.