BREAKING NEWS

જામનગરમાં રખડતા કુતરાઓનો અનહદ ત્રાસ: પટેલ કોલોનીમાં તો આતંક

  • November 29, 2025 11:58 AM 



નગરવાસીઓની લલાટે લખાયેલો રખડતા કુતરાઓનો ત્રાસ અનહદ થઇ ગયો છે, અમુક વિસ્તારોમાં તો રાત્રે પસાર થવામાં દ્વિચક્રિ વાહન ચાલકોના ટાટીયા ધ્રુજી જાય છે, ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં પણ કુતરાના ટોળેટોળા રીતસર આતંક મચાવી રહ્યા છે, ગઇકાલે પટેલકોલોની વિસ્તારમાં એક યુવતિને કુતરાએ એવા બચકા ભર્યા હતાં કે લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડવી પડી હતી, હવે જયારે ખુદ સર્વોચ્ચ અદાલત પણ શહેરી વિસ્તારમાં રખડતા કુતરાઓના મુદે ચુકાદામાં ગાઇડલાઇન આપી ચુકી છે ત્યારે સ્થાનિક તંત્રએ શહેરીજનોની સુરક્ષા માટે રખડતા કુતરાઓનો ત્રાસ દુર કરવા તાકીદના ધોરણે એકશન પ્લાન બનાવવો જોઇએ એવી વ્યાપક માંગણી ઉઠી છે. 


જામનગર શહરેમાં રખડતા કુતરાઓનો ત્રાસ દિવસે-દિવસે વધી રહયો છે, કુતરા કરડવાના કેસ પણ હોસ્પીટલે રોજીંદા બન્યા છે અને લોકોને ખાસ કરીને બાળકો, વૃઘ્ધો અને મહિલાઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હોય એટલી હદે પરિસ્થીતી ડામાડોળ જોવા મળી રહી છે તેમ છતા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી દર વખતે ઉહાપો મચે એ પછી તંત્ર લાવ લશ્કરની જેમ ખસીકરણ કરાશે, આ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેવા સરકારી જવાબ આપી દે છે, પરંતુ પરિસ્થીતીમાં સુધારો થતો નથી એ પણ એટલી જ કડવી અને કઠોર વાસ્તવીકતા છે.


તાજેતરમાં ડોગ બાઇટના આંખોના ડોળા પહોળા કરનારા આંકડાઓ બહાર આવ્યા હતા અને શ્ર્વાનો તેમજ રખડતા ઢોરના કારણે અકસ્માતના નાના-મોટા બનાવો બને છે, દરમ્યાનમાં ગઇકાલે શહેરના પટેલ કોલોની વિસ્તારમાં શ્ર્વાન કરડી ગયાનો બનાવ સામે આવ્યો છે, જેની વિગત અનુસાર જામનગરમાં રહેતી પુજાબેન જોઇસર નામની ૨૫ વર્ષની યુવતિ ગઇકાલે રાત્રીના ૧૧-૩૦ કલાકે પટેલ કોલોની રોડ નં. ૬, આરતી ફલેટ પાસે શેરી નં. ૪/૫ પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક શ્ર્વાને પગના ભાગે બચકુ ભરી લીધુ હતું અને યુવતિને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં તાબડતોબ લઇ જવામાં આવી હતી જયાં ડોકટર દ્વારા ૩ ઇન્જેશન આપવામાં આવ્યા હતા. 


એવી પણ જાણકારી મળી છે કે, આ વિસ્તારમાં આ શેરી ડોગ ફકત મહિલાઓને જ બટકા ભરે છે જેના કારણ આ વિસ્તારમાંથી મહિલાઓને પસાર થવું ખુબ જ મુશ્કેલ બન્યું છે, અવાર નવાર શ્ર્વાનના ત્રાસ બાબતની ફરીયાદો ઉઠે છે પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે કુતરાનો ત્રાસ દિવસેને દિવસે પરેશાનીમાં મુકનારો બની રહયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પટેલકોલોની, પંચવટી ગૌ શાળા, ગાંધીનગર, ટાઉનહોલ વિસ્તાર, રણજીતનગર, ખોડીયાર કોલોની, દિગ્જામ સર્કલ વિસ્તાર, રણજીતસાગર રોડ, ગુલાબનગર, પટેલ પાર્ક, ગ્રેઇન માર્કેટ, એસ.ટી.રોડ, રામેશ્ર્વરનગર સહિતના શહેરના લગભગ તમામ વિસ્તારોમાં દ્વિચક્રિ વાહન ચાલકોને હેમખેમ પસાર થવું ચેલેન્જ બને છે કારણ કે વાહન લઇને નીકળનારાઓની પાછળ શ્ર્વાન ટોળકી દુર સુધી દોડે છે અને ઘણી વખત અકસ્માતના બનાવો બને છે, ખાસ કરીને રાત્રીના ૧૧ પછી તો રોડ પર શ્ર્વાનોની રંઝાડ અત્યંત ત્રાહીમામ પોકારી દે તેવી બની રહી છે. શેરી-ગલીઓમાં કુતરાઓના અડીંગા દિવસભર રહે છે અને રાત્રીના હડીયાપટી જેવા દ્રશ્યો રોજીંદા બની રહયા છે માટે તંત્રએ આ બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.
​​​​​​​

થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટે તમામ રાજયોના ચીફ સેક્રેટરીને નોટીસ આપી ‚બ‚ બોલાવ્યા હતા અને આ બધા ચીફ સેક્રેટરીએ કોર્ટને બાહેંધરી આપી હતી કે અમે સ્ટ્રીટ ડોગ બાબતે અરજન્ટ પગલા ભરીશૂં પરંતુ જામનગરમાં હજુ સુધી કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. શહેરમાં શ્ર્વાનની રંઝાડ યથાવત છે, દરમ્યાન સુપ્રિમ કોર્ટ પણ ગાઇડલાઇન આપી ચુકી છે તો સ્થાનિક તંત્રએ કાંઇક કરવું જોઇએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application