રાજકોટ મહાપાલિકામાં સફાઇ કામદારોના રાજીનામા મંજૂર કરીને નવી ભરતી કરવા અંગે જો ૧૫ દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો હડતાલ પાડીને સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામું આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે.પરંતુ છેલ્લા ૪ વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે ૨૦૦થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને થણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરીના હકકથી વંચીત રહેવુ પડ્યું છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે,
તા.૩૧-૭-૨૦૨૪ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથ તાકીદની મીટીંગમાં અમોને સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાંથી મેડીકલ સર્ટીફીકેટ રદ કરવાના મુદ્દા એક માસમાં પૂર્ણ કરવાની ખાત્રી આપવા આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવેલ ત્યારબાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવેલ અને અનેક બેરોજગાર લોકો દ્વારા ભરવામાં આવેલ પરંતુ ભરતી કરવામાં આવેલ નથી. રાજીનામામાંથી મેડીકલ રદ કરવાનો જનરલ બોર્ડ મિટિંગમાં રા.મ.ન.પા. તા.૪-૧૦-૨૦૨૪ નં.૨૨૪થી ઠરાવ કરવામાં આવેલ ત્યારે જનરલ બોર્ડમાં આ ઠરાવ રાજય સરકારમાં મોકલવા માટેની શરત રાખેલ જેનો અમોએ ઉગ્ર વિરોધ નોંધાવેલ કે રાજીનામા સંદર્ભના કોઈ ઠરાવો રાજય સરકારમાં મોકલવામાં આવેલ નથી તો આ ઠરાવ પણ મોકલવો ન જોઈએ. આમ છતાં આ ઠરાવ રાજય સરકારમાં મોકલવામાં આવેલ અને ત્યાં છેલ્લા નવ માસથી અનિર્ણિત છે.
ત્યારબાદ ઘણી રજુઆતો બાદ સફાઈ કામદારોના પેન્ડીંગ રાજીનામાઓ મેડીકલ અભિપ્રાય માટે સીવીલ હોસ્પિટલમાં મોકલવાનું થયેલ અને દર ગુરૂવારે ૩૦-૩૦ સફાઈ કામદારોને સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મુકી મેડીકલ માટે જતા સફાઈ કામદારોને સતતને સતત ધકકા ખવડાવે છે. મોટી ઉમરના કામદારોને ચાલી શકતા ન હોવા છતાં અલગ-અલગ વિભાગોમાં દાદરા ચડ-ઉતર કરવા છતાં હાલ સુધી એકપણ મેડીકલ સર્ટીફીકેટ રા.મ.ન.પા.માં જમા કરાવવામાં આવેલ નથી. જેથી અમારી વિનંતી છે કે, આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડીકલ સર્ટીફીકેટમાંથી મુક્તિ આપી મંજુર કરવા તથા સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં બે વખત ઠરાવ કરવામાં આવેલ બે વખત ફોર્મ ભરવામાં આવેલ પરંતુ હજ સુધી ભરતી કરવામાં આવેલ નથી તો ભરાયેલા ફોર્મનો તાત્કાલીક ડ્રો કરી ભરતી કરી આંદોલન સમયે આગેવાનો તથા સફાઈ કામદારોને રા.મ.ન.પા.ના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા આપવામાં આવેલ ખાત્રીનું પાલન કરી બંને પ્રશ્નોનો દિવસ-૧૫માં ઉકેલ કરવા અમારા દ્વારા ઘણી લેખિત-મૌખિક રજુઆતો કરવામાં આવેલ છતાં નિરાકરણ આવેલ નથી.
આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે કે જો આ પ્રશ્નોનું નિરાકરણ દિન-૧૫માં ન આવે તો ફરીથી અમારે આંદોલન, હડતાલ સહિતના પગલા લેવાની ફરજ પડશે જેની નોંધ લેશો.