જામનગરના ધો.૩ થી ૮ના છાત્રો દ્વિતિય સત્રની સ્વાધ્યાય પોથીથી વંચિત
જામનગરના ધો.૩ થી ૮ના છાત્રો દ્વિતિય સત્રની સ્વાધ્યાય પોથીથી વંચિત
November 08, 2025 06:04 PM
જામનગર સહીત રાજયભરની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા નવું શૈક્ષણીક સત્ર શરૂ થયું છે. પરંતુ આમ છતાં હજુ જામનગર શહેર-જિલ્લાના ધો.૩ થી ૮ ના છાત્રો દ્રિતિય સત્રની સ્વાઘ્યાય પોથીથી વંચિત હોવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. ત્યારે શાળાઓમાં અભ્યાસ શરૂ થવા છતાં છાત્રોને સમયસર પાઠયપુસ્તકો ન મળતા આમાં કેમ ભણે જામનગર તે સવાલ ઉઠ્યો છે.
વિકાસના ફૂંકાતા બણગાંઓ વચ્ચે વિકાસની ગાડી પાટા પરથી ઊતરી ગઈ હોવાનું ચિત્ર શિક્ષણ વિભાગમાં ફરી એક વાર જોવા મળ્યું છે. કેમ કે, નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ જવા છતાં સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આપવાની દ્વિતિય સત્ર માટેની સ્વાધ્યાય પોથી જામનગર શહેરના અને જિલ્લાના ધોરણ ૩ થી ૮ના છાત્રોને સાવ મળી જ નથી.
જેથી દીવા તળે જ ઘનઘોર અંધારા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. સંબધિત અધિકારીઓ દરેક સત્ર વખતે છાત્રોને સાહિત્ય સમયસર આપવા બાબતે બેદરકારી દાખવાતા હોવાના અનેક કિસ્સા બની ચૂકયા છે. આમ છતાં જવાબદારો સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આમાં કેમ ભણે જામનગર તે સવાલ વાલીઓમાં જોરશોરથી ઉઠ્યો છે. બીજી બાજુ સરકારી શાળાઓમાં અભ્યાસ શરૂ થવા છતાં હજુ સુધી જરૂરી અને મહત્વના પાઠ્ય પુસ્તકો વિધાર્થીઓને ન મળતા અભ્યાસ બગડી રહ્યો છે તો તેની જવાબદારી કોની તે પણ સવાલ વાલીઓમાં ઉઠ્યો છે.