BREAKING NEWS

રાજકોટમાં એમજી હોસ્ટેલના ભોજનમાં નીકળ્યું મરેલું જીવડું, વિદ્યાર્થીઓનો ભારે હોબાળો

  • September 15, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી એમ.જી. હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્ટેલના મેસમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને હાઈજીનને લઈને વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો, જે આજે બપોરે ભોજન દરમિયાન ફાટી નીકળ્યો હતો.


આજે બપોરે જ્યારે વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા, ત્યારે ભોજનમાં રોટલીમાં એક મરેલું જીવડું મળી આવ્યું હતું. આ દ્રશ્ય જોઈને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. આટલું જ નહીં, મેસ સંચાલકો દ્વારા ભોજનમાં સડેલી ડુંગળી અને બટેટા જેવા નીચી કક્ષાના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો પણ છાત્રો દ્વારા કરવામાં આવ્યા છે.


ભોજનમાં અસ્વચ્છતા અને બેદરકારીની હદ વટાઈ જતાં વિદ્યાર્થીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને હોસ્ટેલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને મેસ સંચાલકો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં હોસ્ટેલ પ્રશાસન દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી.


ઘટનાની ગંભીરતા જોતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ તાત્કાલિક અસરથી હાલનો ભોજનનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની પ્રચંડ માંગ કરી છે. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ફૂડ ક્વોલિટી સુધારવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ બનાવને પગલે શૈક્ષણિક અને હોસ્ટેલ સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application