ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે અને તે સાથે જ સમગ્ર માહોલ એક્ઝામ ફીવરમાં જકડાઈ ગયો છે. ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 15.27 લાખ પરીક્ષાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની એકઝામ આપી રહ્યા છે. પરીક્ષા પ્રારંભના આજે પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મો મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધોરણ 10માં આજે પ્રથમ પેપર ભાષાનું હતું. સવારે 10:00 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ આવી જવા માટે સૂચના આપવામાં આવી હતી. બપોરે 1-15 વાગ્યે આ પરીક્ષા પૂરી થઈ હતી. આવતીકાલે રજા છે અને તારીખ 28 ના વિજ્ઞાનનું પેપર છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે 10:30 વાગ્યે પરીક્ષાનો પ્રારંભ થયો હતો જે બપોરે 1:45 વાગ્યા સુધી ચાલુ રહી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે સહકાર પંચાયતનું પેપર હતું અને બપોર પછીના 3થી 6- 15 વાગ્યાના બીજા સત્રમાં અર્થશાસ્ત્રનું પેપર હતું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે 6:30 સુધી પેપર હતું. પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું હતું અને આવતીકાલે રજા છે. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા બે પાર્ટમાં લેવામાં આવી રહી છે. જેમાં પાર્ટ વનમાં 50 પ્રશ્નો ઓએમઆર સિસ્ટમથી પૂછવામાં આવ્યા હતા અને તેના 50 ગુણ નક્કી કરાયા છે. પાર્ટ વન પેપર માટે 60 મિનિટ એટલે કે એક કલાકનો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો. પાર્ટ ટુ માં પણ 50% ગુણ રાખવામાં આવ્યા છે અને તે વર્ણનાત્મક પ્રકારના છે.
પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને બુટ મોજા સાથે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને જે વિદ્યાર્થીઓ બુટ મોજા પહેરીને આવ્યા હતા તેમને વર્ગખંડની બહાર કાઢવા માટે જણાવ્યું હતું. આવી જ રીતે કેલ્ક્યુલેટર મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.