BREAKING NEWS

રાજકોટમાં ઇન્ડિયન એરફોર્સમાં કારકિર્દીની તકો અંગેના સેમિનારમાં વિધાર્થીઓ ઉમટ્યા

  • December 10, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના યુવાનોને સંરક્ષણ સેવા ક્ષેત્રે પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન આપવા અમૂલ્ય પ્રયાસો સતત થઈ રહ્યા છે. સૂર્યકિરણ એર-શોની ઉજવણી વચ્ચે, શહેરના યુવાનોમાં ઈન્ડિયન એર ફોર્સ પ્રત્યે રસ અને જાગૃતિ વધે એ હેતુથી આજે ગારડી વિદ્યાપીઠ ખાતે ઇન્ડિયન એરફોર્સમાં કારકિર્દીની તકો અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીનારમાં ૫૭૫થી વધુ વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરી જોવા મળી હતી.

એન્જિનિયરિંગ, નર્સિંગ, પેરા-મેડિકલ, સાયન્સ અને અન્ય શાખાઓના કુલ-૫૭૫ થી વધુ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એર ફોર્સમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી લાયકાત, પરીક્ષાઓ, તાલીમ અને ભવિષ્યના અવસરો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના આ અનોખા પ્રયાસને વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.

સેમિનારની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન તથા સમગ્ર કાર્યક્રમની સંકલિત રૂપરેખા રીટાયર્ડ કેપ્ટન જયદેવ જોષી દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમણે યુવાનોને સ્વપ્ન સાકાર કરવા માટે સાહસ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની મહત્તા સમજાવતા પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.

ઈન્ડિયન એર ફોર્સના અધિકારીઓનું પ્રેરણાદાયક માર્ગદર્શન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું, ઈન્ડિયન એર ફોર્સની પ્રતિષ્ઠિત મહિલા અધિકારીઓ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી અને સ્ક્વોડ્રન લીડર સંઘ મિત્રા સહિતના બંને અધિકારીઓએ ઈન્ડિયન એર ફોર્સની વિવિધ શાખાઓ જેમ કે ફ્લાઈંગ બ્રાંચ, ટેક્નિકલ બ્રાંચ, ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેક્નિકલ/નોન-ટેક્નિકલ), મેડિકલ સેવાઓ, એડમિનિસ્ટ્રેશન, લોજિસ્ટિક્સ, મેટિયોરીલોજી, એજ્યુકેશન, એર ટ્રાફિક કંટ્રોલ વગેરે વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ, એનડીએ, સીડીએસ, એનસીસી સ્પેશ્યલ એન્ટ્રી જેવી પસંદગી પ્રક્રિયાઓ, ઉંમર મર્યાદા, લાયકાત, તાલીમ વ્યવસ્થા, કારકિર્દી પ્રગતિ, વેતન-ભથ્થા, રહેઠાણ અને સુવિધાઓ અંગે ખૂબ જ સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

વિશેષમાં, તેમણે પોતાની વ્યક્તિગત સફર, ફ્લાઈંગ અનુભવ અને ઈન્ડિયન એર ફોર્સમાં મહિલાઓ માટે ખુલ્લી રહેલી તકો અંગે ઉદાહરણો સાથે સમજાવ્યું, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યું.

ઉપરોક્ત કાર્યક્રમમાં રીટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી, સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી, સ્ક્વોડ્રન લીડર સંઘ મિત્રા, ગારડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સૌનું સન્માન અને સ્વાગત રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર પી.પી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારના સફળ આયોજન માટે ચીફ લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેશણાએ વાયુસેનાના અધિકારીઓ, ગારડી વિદ્યાપીઠ, વિદ્યાર્થીઓ અને સમગ્ર આયોજન ટીમનો વિશેષ આભાર માન્યો હતો.

આ સેમિનારે યુવાનોમાં રાષ્ટ્રીય સેવાની ભાવના, કારકિર્દી વિશેની સ્પષ્ટતા અને ઈન્ડિયન એર ફોર્સ પ્રત્યેનું આકર્ષણ વધાર્યું હતું. બહોળી સંખ્યામાં યુવાનો વાયુસેનામાં જોડાવા માટે પ્રેરિત થયા, જે આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા ગણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application