નવા 150 ફૂટ રિંગ રોડ અને ખાસ કરીને અટલ સરોવરના રસ્તાઓ ઉપર બાઈક રેસિંગ તેમજ વાહનો ઉપર કેક રાખી ફટાકડા ફોડીને જાહેરમાં જન્મદિવસ ના સેલિબ્રેશન કરવામાં આવતા હોવાના બનાવો વખતો વખત બની રહ્યા છે અને આવા બનાવોના વિડીયો સોશિયલ થયા પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત નવા રિંગ રોડ પર સુદામા ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા કાયદા અને નિયમોની ઉપર જઈ જાહેર રસ્તા ઉપર પોતાની નવી વોલ્વો છોડાવેલી કેટલીક બસ પાર્ક કરી દીધી હતી અને લોકોની પરવાહ કર્યા વગર વચ્ચો વચ્ચ કેક કાપીને ઉજવણી કરી હતી. આટલેથી ન અટકતા રસ્તા પરથી વાહન પસાર થતા હોવા છતાં બ્રાન્ડિગ કરવાની ઘેલછામાં બેદરકારી દાખવી ફટાકડા ફોડી આતશબાજી કરી હતી દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકો અને વાહનચાલકો પણ આશ્ચર્ય ચકિત બની સવાલ કરી રહ્યા હતા કે, કાયદો માત્ર નાના માણસો માટે જ લાગુ હોય એવું લાગી રહ્યું છે. અહીં આ લોકોને કોઈ રોકવા વાળું પણ નથી,
હાલ તો જાહેર રોડ પર થયેલા આતશબાજી સાથેના સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ટ્રાફિક અને સુરક્ષાને નેવે મૂકનારા સંચાલકો સામે સખત કાર્યવાહીની માંગ ઉઠી છે. જો કે વિડીયો વાયરલ થતાંની સાથે જ યુનિવર્સિટી પોલીસે વીડિયોમાં દેખાતી બસ અને વ્યક્તિઓની ઓળખ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.