શહેરના યુનિવર્સીટી રોડ પર યોગેશ્વર પાર્કમાં પરણ્યાના નવ મહિનામાં નવોઢાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. ન્હાવા જવાનું કહી ઉપર ગયા બાદ કેટલીક વાર સુધી પરત ન આવતા પતિએ ઉપર જોઈને જોતા બાથરૂમમાં પત્ની લટકતી હાલતમાં જોવા મળી હતી. બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી.
મળતી વિગત મુજબ યુનિવર્સીટી રોડ પર યોગેશ્વર પાર્ક-2માં રહેતા કૈલાસબેન દિલીપસિંહ સોલંકી (ઉ.વ.28)ની નવોઢાએ રાત્રે 11 વાગ્યે ઘરે બાથરૂમમાં ફુવારાના પાઇપ સાથે ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પતિ નીચે હોય ન્હાવા જવાનું કહ્યા બાદ ઘણો સમય થઇ ગયા છતાં પત્ની નીચે ન આવતા પતિ દિલીપસિંહ ઉપર જોવા જતા પત્નીને બાથરૂમમાં લટકતી હાલતમ જોઈ તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આપઘાત કરનાર કૈલાસબેનના લગ્ન થયાને નવેક મહિના જેટલો સમય થયો હતો અને ઉનાના પડા ગામે માવતર ધરાવતા હતા. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું જાણવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.