દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ, સંત શિરોમણી જલારામ બાપાએ ૧૮૭૬ થી શરુ કરેલા અન્નક્ષેત્ર સેવા યજ્ઞની પ્રેરણાના ભાગરૂપે જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના આંગણે દર વર્ષે રોટલા અન્નકૂટનું આયોજન કરાય છે. જે પરંપરા અનુસાર આ વખતે પણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાયો હતો.
જામનગરના હાપા જલારામ મંદિરમાં દર વર્ષે અલૌકિક રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. જામનગરમાં ૧૭ જાન્યુઆરીના રોજ સતત ૧૧ માં વર્ષે આ રોટલા અન્નકૂટ ધરાયો હતો. જેમાં મકાઈ, રાગી, મેથી, પાલક, સીતાફળ, સ્ટ્રોબેરી, ડ્રાયફૂટ વિવિધ કઠોળ અને શાકભાજી સહિતના ૧૧૧ રોટલા બનાવી જલારામ બાપાને ધરવામાં આવ્યા હતા.
હાપા જલારામ મંદિર ખાતે રોટલા અન્નકૂટ પાછળનો મુખ્ય હેતુ જલારામ બાપાએ જગાવેલી સેવાની જ્યોતને જાળવી રાખવાનો છે. ભોગ ધરાવેલા વિવિધ રોટલાને મંદિરમાં દર્શને આવતા જલારામ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તો રોટલા અન્નકોટના દર્શન માટે ઉમટી પડયા હતા.