લઠ્ઠાકાંડમાં થતા મોતને રોકવા માટે સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બહુ-વિભાગીય વ્યૂહરચના અપનાવવા તાકીદ કરી છે. ઝેરી દારૂના ઉત્પાદન, પરિવહન અને વેચાણ પર અંકુશ મેળવવા પોલીસ, દારૂબંધી, આબકારી તથા પરિવહન સહિતના વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરવી જોઈએ તેમ કોર્ટે જણાવ્યું છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના સંદર્ભમાં પણ આ સૂચનાઓ મહત્વપૂર્ણ બની છે. ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ માટે સત્તાવાર બેઠક બોલાવીને વ્યુહ રચના નક્કી કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે મહારાષ્ટ્ર પોઈઝન્સ રૂલ્સની કલમ 18A અને 18B રદ કરતાં આ નિર્દેશો આપ્યા હતા. મુંબઈમાં 2011માં બનેલી લઠ્ઠાકાંડની દુર્ઘટના બાદ આ નિયમો ઉમેરવામાં આવ્યા હતા.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાઇસન્સ કે પરમિટની શરતોનો ભંગ કરનારનું લાઇસન્સ અથવા પરમિટ સસ્પેન્ડ કે રદ કરવું જોઈએ અને તેને નવા લાઇસન્સ-પરમિટ મેળવવા પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ ગેરકાયદે દારૂની માંગ અને પુરવઠાની સાંકળ તોડવા રાજ્યની સરહદો પર દેખરેખ વધુ મજબૂત કરવાની સૂચના અપાઈ છે.કોર્ટે મેથેનોલના નિયમનને પણ કડક બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ગેરકાયદે દારૂ બનાવવામાં ઉપયોગ થઈ શકતા મેથેનોલ તથા અન્ય રાસાયણિક સોલ્વન્ટના ગેરકાયદે વેચાણ પર નજર રાખવા ઔદ્યોગિક એકમોની તપાસ કરવાની વાત પણ કરવામાં આવી છે.પોલીસ, દારૂબંધી અને આબકારી વિભાગોએ અર્ધ-ઔદ્યોગિક તથા ગીચ શહેરી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે ભઠ્ઠીઓ શોધી કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે સંપૂર્ણ દારૂબંધીથી કેટલીકવાર ગેરકાયદે વેપાર ભૂગર્ભમાં ચાલે છે અને બિનનિયંત્રિત તથા જીવલેણ દારૂનું જોખમ વધી શકે છે.