BREAKING NEWS

માલીમાં અપહરણ કરાયેલા સુરતના હીરા ઉદ્યોગપતિનો આખરે છુટકારો: ૪૪ કરોડની જંગી ખંડણી ચૂકવાઈ

  • July 16, 2026 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ આફ્રિકાના સંઘર્ષગ્રસ્ત દેશ માલીમાંથી આશરે ત્રણ મહિના પહેલાં રહસ્યમય રીતે અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરૂભાઈ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. આ હાઈપ્રોફાઈલ અપહરણના કેસમાં શરૂઆતમાં અપહરણકારો દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાની મસમોટી રકમની માંગણી કરવામાં આવી હોવાના અહેવાલો હતા. જો કે, હીરા બજાર અને કૌટુંબિક સૂત્રો પાસેથી મળતી નવી વિગતો અનુસાર, લાંબી વાટાઘાટોના અંતે ૪ મિલિયન યુરો એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૪૪ કરોડ રૂપિયાની જંગી ખંડણી ચૂકવ્યા બાદ ઉદ્યોગપતિ અને તેમની સાથેના અન્ય બે ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે, જેને પગલે પરિવારે મોટી રાહતનો શ્વાસ લીધો છે.

૭૫ વર્ષીય પીઢ ઉદ્યોગપતિ ધીરૂ રામાણી પરંપરાગત હીરા ઉદ્યોગ ઉપરાંત આફ્રિકા ખંડમાં સોનાના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. તેઓ આશરે બે વર્ષ પહેલાં માલી દેશમાં એક મોટા ગોલ્ડ માઇનિંગ (સોનાની ખાણકામ) પ્રોજેક્ટના ગ્રાઉન્ડ ઓપરેશન અને સંચાલન માટે ત્યાં શિફ્ટ થયા હતા. આ દરમિયાન જ માલી ખાતેથી ધીરૂભાઈની સાથે તેમના અંગત રસોઈયા અને એક ઇલેક્ટ્રિશિયનનું પણ અપહરણ કરી લેવાયું હતું. ઘટના બાદ તેમના અમેરિકા સ્થિત પરિવારના સભ્યોએ ગુપ્ત રીતે તપાસ આરંભતા માલુમ પડ્યું હતું કે, આ અપહરણ પાછળ કોઈ સ્થાનિક નાની ગેંગ કે ગુનેગારો નથી, પરંતુ વૈશ્વિક આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલું એક સ્થાનિક કટ્ટરપંથી જૂથ સક્રિય હતું.


રામાણી પરિવારના એક નજીકના સગાએ નામ ન આપવાની શરતે આ સમગ્ર ઓપરેશન અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, વડીલ અને અન્ય સ્ટાફના જીવનું જોખમ હોવાને કારણે તેમની પાસે આતંકી સંગઠન સાથે વાટાઘાટો (નેગોશિયેશન) કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. ભોગ બનનાર ત્રણેય ભારતીયોના સુરક્ષિત પુનરાગમન માટે આખી પ્રક્રિયા અને નાણાકીય લેવડદેવડ પરિવારે જ પોતાની રીતે ખૂબ જ ગુપ્ત રીતે સંભાળી હતી અને આમાં કોઈ સરકારી એજન્સી કે વિદેશ મંત્રાલયની સત્તાવાર મદદ લેવામાં આવી નહોતી. સોદો નક્કી કરતા પહેલાં અપહરણકારોએ ત્રણેય બંધકો જીવિત હોવાની પાકી સાબિતી (પ્રૂફ ઓફ લાઈફ) તરીકે એક લાઈવ વીડિયો કોલ પણ કરાવ્યો હતો, જેના આધારે પરિવારે ખંડણીની રકમ ચૂકવવાની ડીલ ફાઇનલ કરી હતી.


ઉલ્લેખનીય છે કે ધીરૂ રામાણી આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં ખૂબ આદરણીય અને મોટું નામ ધરાવે છે. તેઓ સુરતમાં 'રામાણી એક્સપોર્ટ' નામે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ધરાવે છે, તેમજ ન્યૂયોર્કમાં 'CBD ડાયમંડ એન્ડ જ્વેલરી' ના નામે જાણીતા શો-રૂમ્સનું નેટવર્ક ચલાવે છે. હાલ તેમનો આખો પરિવાર અમેરિકામાં સ્થાયી થયેલો છે અને તેમના પુત્રો અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. સુરતના એક વરિષ્ઠ હીરા વેપારીએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આફ્રિકન અને સંઘર્ષગ્રસ્ત દેશોમાં કરોડોનું રોકાણ કરનારા સુરતના સાહસિક વેપારીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં જ માલીમાં વધતા આતંકી જોખમોને ધ્યાને રાખીને સત્તાવાર સુરક્ષા એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application