દેશમાં આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ બીજી તરફ ગુજરાતના બનાસકાંઠાના કલોલમાંથી ત્રણ આતંકીઓને ઝડપી રાઈઝીન ઝેર હવામાં ભેળવી ખતરનાક હુમલાના મનસુબાનો પર્દાફાશ એટીએસ દ્વારા કરવામાં આવ્યો ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસની ટીમે હરિયાણાના ફરીદાબાદમાંથી તબીબના ઘરમાંથી 300 કિલોથી વધુ આરડીએક્સ ઝડપી પાડી રાજધાની પર ભયાવહ ત્રાસવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓને પગલે ગુજરાત સહીત દેશના ચારથી વધુ રાજ્યોને એલર્ટ કરવામાં આવતા રાજકોટમાં લોકોની અવર જવર રહેતી હોય તેવા ભીડભાડ વાળા જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, હોટેલ-રેસ્ટોરેન્ટમાં એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આતંકીઓ રાઈઝીન નામના ખતરનાક ઝેરથી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બનાસકાંઠા અને કલોલથી ઝડપાયેલા આતંકીઓ રાઈઝીન નામના ખતરનાક ઝેરથી મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાના પુરાવા એટીએસને મળી આવ્યા બાદ આતંકી ત્રિપુટી ઝડપાયાની ગણતરીની કલાકોમાં જ 350 કિલો આરડીએક્સ હરિયાણાના ફરીદાબાદથી ઝડપાયો હતો.
ચાર જુદી જુદી ટીમોને એટીએસ સાથે સંકલનમાં રહી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
દેશને હચમચાવી નાખે તેવા બે કાવતરાનો પર્દાફાશ થતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે અને ગુજરાત સહીત ચાર રાજ્યોને એલર્ટ રહેવા થયેલા આદેશના પગલે સાવચેતીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી એસઓજી પીઆઈ એસ એમ જાડેજાએ ચાર જુદી જુદી ટીમોને એટીએસ સાથે સંકલનમાં રહી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. એસઓજી સાથે ડોગ સ્કવોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ક્યુઆરટીની ટીમોએ રેલવે સ્ટેશન, બસ પોર્ટ, એરપોર્ટ, કોર્ટ કેમ્પસ, અલગ અલગ સરકારી કચેરીઓ, હોટેલ, રેસ્ટોરેન્ટ, ગેસ્ટહાઉસ સહિતના સ્થળો કે જ્યાં જાહેર જનતાની અવર જવર રહેતી હોય ત્યાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ હાલ શંકાસ્પદ પદાર્થોથી માંડી શકમંદોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
સાવચેતીના પગલે જરૂર પડ્યે ધાબા પોઇન્ટથી નજર રખાશે
દેશમાં આતંકી ગતિવિધિઓના ઇનપૂટને પગલે રાજકોટ એસઓજી દ્વારા સરપ્રાઈઝ સર્ચ ચેકીંગ હાથ કરવામાં આવ્યું છે ત્યારે સરકારી કચેરીથી માંડી એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસપોર્ટ સહિતના સ્થળે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જરૂર પડ્યે ધાબા પોઇન્ટ બનાવી શહેરભરમાં નજર રાખવામાં આવશે તેઓ એસઓજી પીઆઇ એ જણાવ્યું હતું.