BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો જિ. પં. દ્વારા આજથી સર્વે શરૂ

  • October 31, 2025 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાના કારણે ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે કરવા સરકારનો આદેશ આવતા જ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સંદર્ભે આજથી સર્વેની કામગીરી રાજકોટ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. ખેતી અને બાગાયતી પાકને કેટલું નુકસાન થયું છે તેના સર્વે માટે તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો વગેરેના સંકલનમાં રહીને 400 જેટલા અધિકારીઓ અને ખેતીવાડી વિભાગ ઉપરાંતના અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને આ કામગીરીમાં લગાડી દેવાયા છે.


જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોરણા ગોંડલ કોટડા સાંગાણી લોધીકા રાજકોટ પડધરી જસદણ અને વિછીયા તાલુકામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી સંપૂર્ણપણે ચોકસાઈથી કરવા આ સુચના આપવામાં આવી છે. ટીમ લીડર અને નોડલ અધિકારીએ જે તે તાલુકાને ફાળવવામાં આવેલી તમામ સર્વે ટીમોનું મોનિટરિંગ, સંકલન અને રિપોર્ટિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.


અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 5,21,999 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે તે પૈકી વરસાદના કારણે 2,35,492 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું હોવાના પ્રાથમિક અંદાજો છે.


સર્વેની કામગીરી ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને પ્રકારે યોજવામાં આવશે. સરવેયર દ્વારા ઓનલાઇન અને ગ્રામસેવક દ્વારા ઓફલાઈન કામગીરી કરવામાં આવશે અને તેનો દૈનિક રિપોર્ટ દરરોજ બપોરે ચાર વાગ્યા સુધીમાં નિયત કરેલા ફોર્મેટમાં તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતીવાડી)ને આપવાનો રહેશે. સર્વેની કામગીરી સાત દિવસમાં પૂરી કરવા માટે પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે. સર્વે દરમિયાન જે કોઈ આંકડાકીય વિગતો એકત્ર કરવામાં આવશે તે ગુજરાત સરકારના કૃષિ વિભાગના 'કૃષિ પ્રગતિ એપ'માં પણ સતત અપડેટ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application