BREAKING NEWS

ગિરનાર પરિક્રમા થશે કે નહીં તેના પર સસ્પેન્સ, ભારે વરસાદથી રૂટ ધોવાયો, ઠેર-ઠેર કાદવ-કીચડના થર જામ્યા, જૂનાગઢ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

  • October 30, 2025 06:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં કારતક સુદ અગિયારસની મધરાત્રિથી લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે. પરંતુ પરિક્રમા પૂર્વે જંગલ વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા માર્ગોનું ધોવાણ થયું છે. અનેક રૂટ પર કાદવ-કિચડના થર જામ્યા છે.  જેથી વાહન ચલાવવા મુશ્કેલરૂપ બન્યા છે. હાલ વરસાદી વાતાવરણના કારણે માર્ગો રિપેરિંગ થઈ શક્યા નથી. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એક પણ વાહનને જંગલમાં પ્રવેશની મંજૂરી આપી નથી. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. જેથી ગિરનાર પરિક્રમાના આયોજન અંગે સસ્પેન્સ સર્જાયો છે. આવતીકાલે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાનાર બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે અંતિમ નિર્ણય લેવાશે.


જૂનાગઢ પરિક્રમા માટે સ્પેશિયલ ટ્રેન

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાઓ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જૂનાગઢ પરિક્રમા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવનાર છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે.


1) ટ્રેન નંબર 09226 – વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશલ ટ્રેન 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી વેરાવળથી દરરોજ રાત્રે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.


2) ટ્રેન નંબર 09225 – ગાંધીગ્રામ–વેરાવળ દૈનિક સ્પેશલ ટ્રેન 1 નવેમ્બર, 2025 થી 11 નવેમ્બર, 2025 સુધી દરરોજ ગાંધીગ્રામથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે વેરાવળ પહોંચશે.


આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં માળિયા હાટીણા, કેશોદ, જૂનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ, ભક્તિ નગર, રાજકોટ, સુરેન્દ્રનગર જં., વઢવાણ સિટી, બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09225 અને 09226 માટે ટિકિટ બુકિંગ આજથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ (IRCTC) વેબસાઈટ www.irctc.co.in પર શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application