મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (17 ઓક્ટોબર) સવારે ૧૧.૩૦ વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ દ્વારા રાજીનામું આપી દેવામાં આવી શકે છે. શુક્રવારે સવારે નવું મંત્રીમંડળની શપથવિધિ યોજાશે.
જેપી નડ્ડા અને અમિત શાહ આવે એવી સંભાવના
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ગુજરાત આવે તેવી ચર્ચા જાગી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આવતીકાલે મોડી સાંજે અથવા રાત્રે ગુજરાત આવશે.
સૌરાષ્ટ્રનું વજન વધવાની સંભાવના
સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત આપના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જિતુભાઈ પટેલને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.
જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જિતુભાઈ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વના પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે.
કયા નવા ચહેરાનો સમાવેશ થવાની શક્યતા?
પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, હાલના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી(રાજુલા), સાવરકુંડલા ધારસભ્ય મહેશ કસવાલા અથવા તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં ધર્મપત્ની અને જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી. જે. ચાવડાને મંત્રીપદ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે.